Main Menu

આજે પદ્માવતને રજૂ કરાશે

નવીદિલ્હી, તા. ૨૪
પદ્માવત ફિલ્મની રજૂઆતના એક દિવસ પહેલા દેશના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. દિલ્હી, મુંબઈ, ગુડગાંવ, બેંગ્લોર, જયપુર સહિત તમામ મોટા શહેરોમાં હિંસાનો દોર જારી રહ્યો હતો. રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન વચ્ચે આવતીકાલે આ ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે. આજે જુદી જુદી જગ્યાઓએ નાકાબંધી કરવામાં આવી હતી. વાહનોને નુકસાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ગઇકાલે મોડી રાત્રે વ્યાપક હિંસા થયા બાદ આ સંદર્ભમાં ૫૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ ગુજરાતભરમાં થિયેટર માલિકો કહી ચુક્યા છે કે, જ્યાં સુધી આ મામલાને ઉકેલવામાં આવશે નહીં ત્યાં સુધી ફિલ્મ રજૂ કરવામાં આવશે નહીં. બીજી બાજુ હિંસક વિરોધ પ્રદર્શન કરી રહેલા કરણી સેનાના ૩૫થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી. આત્મવિલોપન કરવાની ૧૯૦૦થી વધુ મહિલાઓએ તૈયારી બતાવી છે તેવી જાહેરાત કર્યા બાદ કરણી સેનાના ચિત્તોડગઢ એકમના વડાની અટકાયત કરવામાં આવી હતી. ગુડગાંવ, દિલ્હી, મેરઠ, જયપુરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન જારી છે. ગુડગાંવમાં દેખાવકારોએ એક બસને આગ ચાંપી હતી. પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. મોલ ઉપર વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. પદ્માવત ફિલ્મ સામેના વિરોધમાં ભારત બંધની હાકલ પણ આવતીકાલે કરવામાં આવી છે. આ બંધમાં કેટલાક સંગઠનો પણ જાડાઈ ગયા છે. જેના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર માઠી અસર થાય તેવી શક્યતા છે. વાહન વ્યવહાર બંધ રહી શકે છે. ખાનગી બસ સેવા પણ બંધ રહી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારે ચર્ચા જગાવી રહેલી વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતની રજૂઆતને લઇને સુપ્રીમ કોર્ટે મંજુરી આપી હોવા છતાં હજુ પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. કારણ કે, રાજપૂત કરણી સેના અને અન્ય રાજપૂત સંસ્થાઓએ આની સામે જારદાર વાંધો ઉઠાવ્યો છે. રાજપુત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવીએ પદ્માવત ફિલ્મ નિહાળવાનો હવે ઇન્કાર કરી દીધો છે. સોમવારના દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કર્યા બાદ કાલવીએ કહ્યુ હતુ કે તેઓ પદ્માવત ફિલ્મ નિહાળવા માટે તૈયાર છે. પરંતુ સંજય લીલા ભણશાળીએ ફિલ્મ દર્શાવવા માટે તારીખ દર્શાવી નથી. પરંતુ મોડેથી કાલવીએ તેમનુ નિવેદન બદલી નાંખ્યુ હતુ અને કહ્યુ હતુ કે તેઓ ફિલ્મ નિહાળનાર નથી. કાલવીએ એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે ભણશાળી ગ્રુપ તરફથી પત્ર આવ્યો હતો પરંતુ તે વિશ્વાસઘાત સમાન હતો. તે ઇચ્છતા હતા કે અમે ફિલ્મ નિહાળવા માટે ઇન્કાર કરીએ. તેઓ આજે પોરબંદર પહોંચી રહ્યા છે. સેન્સર બોર્ડે પણ માત્ર ત્રણ લોકોને ફિલ્મ દર્શાવી હતી.કાલવીએ કહ્યુ હતુ કે રાજ્ય સરકારો આ ફિલ્મની રજૂઆતને લઇને વધારે ચિંતાતુર છે. તેમનુ કહેવુ છે કે ફિલ્મ રજૂ થવાની ઉપસ્થિતિમાં રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની ઉપસ્થિતિ ભાંગી પડશે. ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ વાળા ફિલ્મ દર્શાવવાનો ઇન્કાર કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ ઇચ્છે છે કે જનતાની ભાવનાને લઇને તમામ લોકો નિર્ણય કરે. સિનેમાહોલવાળા આ ફિલ્મને દર્શાવવા માટે ઇન્કાર કરે તેમ અમે ઇચ્છીએ છીએ. અત્રે નોંધનીય છે કે કરણી સેનાના સમર્થકોએ દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન કરીને પદ્માવત ફિલ્મની રજૂઆતનો વિરોધ કર્યો છે. જુદા જુદા રાજ્યોમાં તોડફોડ કરવામાં આવી ચુકી છે. ફિલ્મ પદ્માવતની ટીમ માટે ગઇકાલે રાહતનો દિવસ રહ્યો હતો. કારણ કે, સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારની ફિલ્મને રોકવા માટે દાખલ કરવામાં આવેલી ફેર વિચારણા અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, પોતાના આદેશમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તમામ રાજ્યોએ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરવું જાઇએ. આનું પાલન કરવાની બાબત રાજ્ય સરકારોની જવાબદારી છે. રાજસ્થાન સરકાર તરફથી રજૂઆત કરવા પહોંચેલા એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, અમે માત્ર આદેશમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યા છીએ. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે કહ્યું હતું કે, લોકોને આ સમજી લેવાની જરૂર છે કે આ એક બંધારણીય સંસ્થા છે.
આ સંબંધમાં આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. પદ્માવત ફિલ્મ આવતીકાલે રજૂ થઇ રહી છે ત્યારે આજે પણ હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનના અનેક ભાગોમાં હિંસક પ્રદર્શનો થયા હતા. ચક્કાજામની ઉપસ્થિતિ રહી હતી. અનેક બસો સળગાવી દેવામાં આવી હતી. દિલ્હી-જયપુર હાઇવે પર ચક્કાજામનીઉપસ્થિતિ રહી હતી. સિનેમા હોલમાં તોડફોડના અહેવાલ મળ્યા છે.