Main Menu

ગૌવંશ હત્યા માટેની કડક સજાના કાયદાનો અમલ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ મૂંગા અબોલ પશુજીવોની રક્ષા-ચિંતા કરતા પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટોને રાજ્યના ગૌરવ સમાન ગણાવ્યા છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, જીવ ત્યાં શિવ અને વ્યકિતથી સમષ્ટિના આપણા સમાજજીવન સંસ્કારમાં સૌના સુખે સુખીનો શાશ્વત ભાવ જ આત્માના કલ્યાણનો માર્ગ છે.

મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના ચેખલા વાંસજડામાં યોજાયેલા રાજ્યભરની પાંજરાપોળ-ગૌશાળાના ટ્રસ્ટીઓના બે દિવસીય સંમેલનના ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો જે નિર્ણય કર્યો હતો તેને આ સરકાર કડક કાયદા તરીકે અમલી બનાવીને ગૌવંશ હત્યા કરનારાઓને કડક સજાથી નશ્યત કરશે.

ગુજરાત આ પ્રકારના કડક કાયદાનો અમલ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બનશે તેમ પણ તેમણે મક્કમતાથી જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતાને જે અહેમિયત આપવામાં આવી છે તેને પ્રતિપાદિત કરતાં ગંગા શુદ્ધિકરણ અભિયાન, સંસ્કૃત વિદ્યાપીઠ-પાઠશાળા દ્વારા વેદોના મહાત્મ્યથી ગીતાજીનું જતન અને ગૌવંશ હત્યા પ્રતિબંધ સાથે ગાય માતાના જતન-સંવર્ધન માટે સરકાર પ્રતિબદ્ધ છે.

વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ગાયની રક્ષા જ નહિ પરંતુ તેની ઓલાદ-નસ્લ પણ સુધરે અને ગીર, કાંકરેજી ગાય, જાફરાબાદી ભેંસની ઓલાદના વ્યાપ દ્વારા વધુને વધુ દૂધ ઉત્પાદન મેળવી પશુપાલન ઉદ્યોગને, પશુસમૃધ્ધિને નવી ઊંચાઇ આપવી છે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, પશુપાલકોની મૂડી સમાન ગૌધનના સંવર્ધન અને નસ્લ સુધારણા માટે રાજ્યમાં રપ૦ જેટલા નંદીઘર શરૂ કરવા રાજ્ય સરકારે ૮૮.૪ર કરોડનું બજેટ ફાળવ્યું છે.

તેમણે ઉમેર્યુ કે, આ ઓલાદ-નસ્લ સુધારણાને પરિણામે આવનારા ૩ વર્ષમાં પશુપાલકની ઓળખ-વ્યાખ્યા તેના પશુ દ્વારા થતા વિપૂલ દૂધ ઉત્પાદનથી થાય તેવી નેમ રાખી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જીવદયા-પ્રાણીમાત્રની રક્ષા એ આપણા સમાજ સંસ્કાર છે તેથી જ કિડીયારાથી માંડીને વન્ય પશુ સુધી રક્ષણ-જતનની ચિંતા સરકાર અને સમાજ કરે છે.

આવા કાર્યોમાં પાંજરાપોળ-ગૌશાળાના સહયોગની પ્રસંશા કરતાં  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ડયૂઅલ એન્ટીટી શરીર અને આત્માની સ્વીકૃતિ ધરાવતી એકમાત્ર ભારતીય સંસ્કૃતિમાં આવાં સદકાર્યો આત્મા કલ્યાણ અને પરમસુખ હેતુથી આત્મા ઉર્ધ્વગામી થાય તેવા ભાવ સાથે થઇ રહ્યા છે તે વિશ્વનું દિશાદર્શન કરનારા બન્યા છે.

મુખ્યમંત્રીએ તેમની સરકારની સંવેદનશીલતાની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગૌચરની જમીન પશુઓ માટે ડેવલપ થાય તેમજ ખેડૂતોના ઊભા પાકને રોઝ-ભૂંડના ત્રાસથી બચાવવા પશુ હત્યા નહિ, ૭પ૦ કરોડના ખર્ચે કાંટાળી તારની વાડ કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયો પણ કર્યા છે.

વિજયભાઇ રૂપાણીએ ગૌવંશ હત્યા માટે કડક સજાનો કાયદો લાવવા સાથે જ દારૂબંધીનો પણ સખ્તાઇ અમલ થાય તેવા કાનૂનથી ગુજરાતને અહિંસાનું કેન્દ્ર અને નશાવ્યસનમુકત બનાવવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.

તેમણે જીવદયાના કાર્યોને મિશન બનાવીને જે સહયોગ પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટો દ્વારા મળે છે તેની ફલશ્રુતિએ સરકાર સમાજના સહયોગથી રામરાજ્યની સંકલ્પના, જીવહિંસા અટકાવીને જીવદયા દાખવીને પાર પડશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

વિજયભાઇ રૂપાણીએ વાપી અને રાજકોટની પાંજરાપોળ માટે પ્રતિકરૂપે પ્રત્યેકને રૂ. પાંચ લાખના ચેક અર્પણ કર્યા હતા. તેમણે અદ્યતન એમ્બ્યુલન્સનો પણ લોકાર્પણ કર્યો હતો.

પ્રારંભમાં જૈનાચાર્ય શ્રી પ્રેમસુરિશ્વરજી મહારાજ સાહેબે આશીર્વચન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીએ આ સંમેલનના આયોજક  ગિરીશભાઇ શાહની કેન્દ્ર સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડમાં નિમણુંક થવા અંગે તેમનું સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે ગૌસેવા આયોગ અધ્યક્ષ ડૉ.વલ્લભભાઇ કથીરીયા, કચ્છ, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ તેમજ ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતના પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટ સંચાલકો-પદાધિકારીઓ, વિવિધ ધર્મસંપ્રદાયના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.


error: Content is protected !!