Main Menu

મુખ્યમંત્રી કવાંટના આદિજાતિ ગેર મેળામાં વનબંધુઓના ઉમંગ-ઉલ્લાસમાં સહભાગી થયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો નિહાળ્યો હતો અને કલા અને સંસ્કૃતિનાં રંગોત્સવની ઉજવણીમાં વનબંધુઓ સાથે જોડાઇને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

કવાંટનો ગેરનો મેળો છોટાઉદેપુર પંથકમાં હોળી મેળાઓમાં શિરમોર ગણાય છે. રાજયના મુખ્યપ્રધાન ગેરના મેળા પ્રસંગે કવાંટ આવ્યા હોય એવી ઐતિહાસિક ઘટના હતી. મુખ્યમંત્રીએ આદિજાતિઓ માટે દિવાળીથી પણ અદકેરૂ મહત્વ ધરાવતો હોળીનો આ મેળો આદિજાતિ વનબંધુઓના જીવનમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગ, સમૃધ્ધિ અને આરોગ્યના નવીન રંગોની રંગોળી પૂરે એવી શુભેચ્છા પાઠવી હતી.

વિધાનસભાના સત્ર વચ્ચેથી સમય ફાળવીને પણ મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટૃીના આદિજાતિ મેળામાં સહભાગી બનવાનું સૌજન્ય દાખવ્યુ હતું. તેમણે ગેરના મેળામાં ટ્રાયબલ ટુરીઝમને વેગ મળે એવા આયોજન માટે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન અને ગુજરાત પ્રવાસન નિગમને અભિનંદન આપ્યા હતા. જૈનાચાર્ય રાજેન્દ્ર મુનિએ મુખ્યમંત્રીને આવકારની સાથે શુભાશિષ પ્રદાન કર્યા હતા.

રાજય સરકારનો સર્વાંગી અને બહુપાસીય આદિજાતિ કલ્યાણનો સંકલ્પ દોહરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, રાજયની આરોગ્ય નીતિ હેઠળ પ્રત્યેક આદિજાતિ જિલ્લામાં એક મેડિકલ કોલેજ શરૂ કરીને આદિજાતિ સંતાનોને તબીબ બનવાનો માર્ગ મોકળો કરવા સરકાર સંકલ્પબધ્ધ છે.

તેમણે જણાવ્યું કે રાજય સરકારે પેસા એકટના અમલીકરણથી આદિજાતિ ક્ષેત્રના લોકોને વચેટીયા વગર વિકાસની બહુમુલ્ય તકો અને અઘિકારો ઉપલબ્ધ કરાવ્યા છે.

વિજયભાઇ રૂપાણીએ સિકલસેલ એનિમીયા પીડિત આદિજાતિઓ માટે નિર્વાહ ભથ્થુ તથા વિનામૂલ્યે સારવારની સુવિધા, એકલવ્ય નિવાસી શાળાઓ દ્વારા આદિજાતિ સંતાનોના ગુણવત્તાસભર શિક્ષણની ઘરઆંગણાની સુવિધા, આદિજાતિ વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ભરતીની વિશેષ છૂટ, આરોગ્યતંત્રનું મજબૂતીકરણ સહિત આદિજાતિ અને સર્વ સમાજ કલ્યાણના રાજય સરકારના આયોજનોની રૂપરેખા રજૂ કરી હતી.

ગરીબો અને ગામડાને સમર્પિત રાજય સરકારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પગલે ગુજરાતમાં પારદર્શક અને પ્રમાણિક રાજનીતિનો નવો અધ્યાય શરૂ કર્યો છે એવી લાગણી વ્યકત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, માતાઓ, બહેનોને અભય વચન આપવા દારૂબંધીની નીતિને અત્યંત કડક બનાવી છે. તેમણે જણાવ્યુ હતું કે, અહિંસાને વરેલી રાજય સરકાર કડકમાં કડક કાયદાઓના અમલીકરણ દ્વારા ગૌવંશની હત્યા રોકવા કટીબદ્ધ છે.                          

મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશના પરિણામોથી આદિજાતિ પંથકની સાથે સમગ્ર દેશમાં હોળી-દિવાળીના આનંદોત્સવનું જે નવુ વાતાવરણ સર્જાયુ એને વધાવતા જણાવ્યુ હતું કે, જાતિ, ધર્મની નહીં પણ પારદર્શક અને પ્રમાણિક વિકાસની રાજનીતિનો પ્રારંભ આ પરિણામોથી થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસનું પ્રતિક બની ગયા છે એવી લાગણી તેમણે વ્યકત કરી હતી.

તેમણે હોળી ઘરઆંગણે, ગામમાં જ ઉજવવાની આદિજાતિ પરંપરાને બિરદાવી હતી તથા આ પરંપરા તેમના જીવનમાં નવો રંગ ઉમેરે છે અને નવા જોશનું સિંચન કરે છે એવી લાગણી વ્યકત કરવાની સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ હોળી ઢોલના વાદન દ્વારા તેમનો ઉલ્લાસ વ્યકત કર્યો હતો.

કવાંટના આદિજાતિ ગેર મેળામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિથી સાંસ્કૃતિક પરંપરામાં નવા પ્રાણ ફૂંકાયા છે એવી લાગણી વ્યકત કરતા પ્રવાસન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહજી વસાવાએ જણાવ્યુ હતું કે, પેસા એકટના અમલીકરણ દ્વારા આદિજાતિઓના નકકર સશકિતકરણનું રાજય સરકારે આયોજન કર્યું છે.

સંસદીય સચિવશ્રી જયંતિભાઇ રાઠવાએ સહુને આવકારતા જણાવ્યુ હતું કે, છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર, તરગોળ, ઝોઝ-કેવડી જેવા સ્થળોના પ્રવાસન વિકાસમાં સમાવેશથી ટ્રાયબલ ટુરીઝમનો નવો અધ્યાય લખાશે અને પ્રવાસન વિકાસથી ઘરઆંગણે રોજગારી મળતા મજૂરી માટે વનબંધુ આદિજાતિઓની મોસમી હિજરત અટકશે. તેમણે કડીપાણી-હાંફેશ્વરના ડામર રોડના નિર્માણ આયોજનથી પ્રવાસન વિકાસને વેગ મળવાની અપેક્ષા વ્યકત કરી હતી.

ગેરનો મેળાએ આદિજાતિ લોકસંસ્કૃતિનું અનેરૂ પર્વ છે એવી લાગણી વ્યકત કરતા સાંસદશ્રી રામસિંહજી રાઠવાએ જણાવ્યુ હતું કે, પ્રથમવાર રાજયના મુખ્યમંત્રીએ ગેરનો મેળો માણ્યો એનો અદકેરો આનંદ છે.

જિલ્લા કલેકટર વિજય ખરાડીએ સૌને આવકારવાની સાથે પ્રવાસન વિભાગની મદદથી ગેરના મેળાને ભારતની લોકકલા પરંપરાનું પ્રવાસન પર્વ બનાવવાની રૂપરેખા આપી હતી. આદિજાતિ લોકનૃત્ય શૈલી સાથે દેશભકિત ગીતોની રમઝટ સમન્વયથી વાતાવરણ દેશભકિતમય બની ગયું હતું.

આ પ્રસંગે આદિજાતિ કલ્યાણ રાજયમંત્રી શબ્દશરણ તડવી, મુનિશ્રી રાજેન્દ્રમુનિજી મહારાજ, આદિજાતિ વિકાસ નિગમના અધ્યક્ષ કુબેરભાઇ ડિંડોળ, ગજેન્દ્રસિંહ જાડેજા સહિત પ્રવાસન નિગમના પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યઓ, પક્ષના પદાધિકારીઓ, ઉચ્ચાધિકારીઓ અને મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં આદિજાતિ વનબંઘુઓ અને નૃત્યમંડળીના ઘેરૈયા ઉપસ્થિત રહયા હતા.






Comments are Closed