Main Menu

અનુસૂચિત જાતિના ૯પ૦ લાભાર્થીઓને રૂા.ર૮ કરોડના વાહન-સહાય વિતરણ સમારોહ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવા ભારતના નિર્માણમાં ગરીબ, વંચિત, દલિતને સમાન તકના અધિકાર આપી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલી આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારો એ આવા વર્ગોને સાધન-સહાય આપીને સશકિતકરણની દિશા-ટેકો આપવાનું દાયિત્વ જ નિભાવવાનું હોય છે. આવી સહાય મળતાં આ વંચિતવર્ગો સ્વયં વિકાસ કૂચમાં જોડાવા પ્રેરિત થાય છે. દલિત-વંચિત-ગરીબ કયાંય પાછળ ન રહે, પોતાને વામણો ન સમજે તેવી કાર્યપધ્ધતિ આ સરકારે વિકસાવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ઉપક્રમે ૯પ૦ લાભાર્થીઓને રૂા. ર૮.૩૪ કરોડના વાહન વિતરણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય અને દેશનો પ્રત્યેક નાગરિક-હરેક વર્ગ માત્રને માત્ર વિકાસની રાજનીતિને જ સ્વીકારે છે તે વાત ઉત્તરપ્રદેશના તાજેતરના ચૂનાવ પરિણામોએ પૂરવાર કરી છે.

આ ચૂનાવ પરિણામોએ જ્ઞાતિ-જાતિ-ધર્મના સમીકરણોના આધારે વિશ્લેષણ કરનારા રાજકીય પંડિતોને સદંતર ખોટા પાડયા છે તેની ભૂમિકા આપતાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ વંચિતો, દલિતોને પદ-પ્રતિષ્ઠા આપીને દલિતો-વંચિતોના સર્વગ્રાહી ઉત્કર્ષ માટેનો સુભગ સુયોગ રચ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં દલિતો પરના અત્યાચારનો રાજકીય મૂદો ઉઠાવીને રાજકીય રોટલા શેકવાની પ્રતિપક્ષોની મૂરાદને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં લપડાક પડી છે. હવે, ગુજરાતના નાગરિકો પણ પરિપકવતા બતાડી વિકાસ-વિકાસ-વિકાસની જ રાજનીતિને સ્વીકારશે જ.

વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની સરકારે એક કે બાદ એક પ્રજાલક્ષી પગલાંઓ લઇને જનમત-લોકવિશ્વાસ પ્રતિપાદિત કર્યા છે. તેના પરિણામો ગુજરાતમાં પણ જોવા મળશે અને વંચિત-દલિત-ગરીબ વર્ગો  સહિત જન-જનનો વિશ્વાસ આ સરકારમાં પડઘાય છે.

મુખ્યમંત્રીએ રાજ્યના વંચિત, દલિત, અનુસૂચિત જાતિના યુવાવર્ગોને સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવાની રાજ્ય સરકારની યોજનાઓની છણાવટ કરી હતી.

તેમણે કહ્યું કે, આવા સમાજના યુવાનો વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઊભા રહી શકે, વૈશ્વિક સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ બનાવ્યા છે.

વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગરીબો-વંચિતોના ઉત્કર્ષ માટે આ સરકારે સામાજીક સમરસતાથી ‘સૌના સાથ સૌના વિકાસ’ના ધ્યેય દ્વારા સકારાત્મક રાજનીતિ કરીને ગુજરાતના પારદર્શી, પ્રગતિશીલ, સંવેદનશીલ, નિર્ણાયક વિકાસની નવી કેડી કંડારી છે.

તેમણે ઉમેર્યુ કે, અગાઉની સરકારોએ વોટબેન્કની રાજનીતિ, દલિત-વંચિતો-લઘુમતિઓ સાથે કરીને તેમને વિકાસથી અળગા રાખ્યા અમે વિકાસનો મંત્ર લઇને ચાલનારા લોકો છીએ.

હિઝરતના, અત્યાચારના બનાવો પણ ભાજપા સરકારના શાસનમાં ઘટયા છે અને સૌ સમાજવર્ગો સમરસતા-ભાઇચારાથી વિકાસ સાધવા સંકલ્પબદ્ધ બન્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વંચિતવર્ગોને આર્થિક રીતે સક્ષમ બનાવવા આ સાધન-સહાય યોગ્ય દિશાનું પગલું ગણાવતાં દલિતો-વંચિતોના ઉત્કર્ષ માટે જરૂર જણાયે વધુ બજેટ-નાણાં ફાળવવાની શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

વિધાનસભા અધ્યક્ષ રમણભાઇ વોરાએ વર્ષોથી વંચિત રહેલા અનુસૂચિત જાતિ વર્ગના યુવાનોને વાહનો પૂરાં પાડીને તેમના સામાજિક-આર્થિક વિકાસના આ કદમને ડૉ.આંબેડકરના વંચિત વિકાસના આદર્શને મૂર્તિમંત કરનારૂં ગણાવ્યું હતું.

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામભાઇ પરમારે વંચિત-દલિત-પછાત સમાજોના ઘર-પરિવારમાં આર્થિક ઉજાસ ફેલાવવા માટે રાજ્ય સરકાર અનેકવિધ કલ્યાણ યોજનાઓ સાથે પડખે ઊભી છે તેની રૂપરેખા આપી હતી. તેમણે વ્યસનમુકત સમાજ માટે પણ આ તકે આહવાન કર્યુ હતું.

નિગમના અધ્યક્ષ રમેશ સોલંકીએ સૌને આવકાર્યા હતા.

આ પ્રસંગે સંસદીય સચિવ પૂનમભાઇ મકવાણા, વિધાનસભા ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, ધારાસભ્યો, પદાધિકારીઓ, બોર્ડના ડિરેકટરશ્રીઓ અને લાભાર્થી પરિવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.