Main Menu

પ.પૂ. તપગચ્છાધિપતિ આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના ૯૮મા જન્મા દિને ગુરૂવંદના ઉત્સવ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્‍યું છે કે, ભગવાન મહાવીરે અહિંસા-અપરિગ્રહ-અનેકાંતના સિદ્ધાંતોને આદર્શ ગણાવ્‍યા હતા, ત્‍યારે આ સિદ્ધાંતો સાથે આપણે સૌ આગળ વધીએ. વિશ્વ આખાએ અહિંસાના સંદેશને આત્‍મસાત કર્યો છે, ત્‍યારે જીવમાત્રનું કલ્‍યાણ થાય એ દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.

જૈન શાસનના ગૌરવશાળી અને પ્રભાવશાળી વ્‍યક્તિત્‍વ એવા પરમ પૂજ્ય તપગચ્‍છાધિપતિરાજ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૯૮મા જન્‍મ દિવસના ઉપલક્ષ્‍યમાં અમદાવાદમાં ગુરૂવંદના ઉત્‍સવ યોજાયો હતો.

પ્રાસંગિક પ્રવચનમાં મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, જૈન સાધુ-સંતો અને અન્‍ય ધર્મના શ્રદ્ધાળુઓ પગપાળા વિહાર કરતા હોય છે ત્‍યારે તેમની સુરક્ષાને રાજ્ય સરકારે અગ્રીમતા આપી છે અને એટલે જ ગુજરાતમાં પગદંડી બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પાલીતાણાથી વલ્‍લભીપુરનું કામ ચાલું થઇ ગયું છે. આ ઉપરાંત અમદાવાદથી શંખેશ્વર, ડાકોર, અંબાજી, ચોટીલા અને માતાનો મઢ જેવા ધર્મસ્‍થાનોને જોડતી પગદંડી બનાવવાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. પદયાત્રીઓની સુરક્ષા માટે માર્ગો પર સુરક્ષા જાગૃતિ-સાવચેતીના સાઇનબોર્ડ પણ મુકાયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્‍યમંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, સંતો-મહારાજઓના આગમનથી સંસ્‍કૃતિ ઉજાગર થાય છે. આપણે ગુરૂ પરંપરામાં જીવીએ છીએ ત્‍યારે એમના આદર્શોનો સુચારૂ અમલ ‘સૌના સાથ, સૌનો વિકાસ’ સૂત્રને સાર્થક કર્યું છે.

મુખ્‍યમંત્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગાંધી-સરદાર-હેમચંદ્રાચાર્યના ગુજરાતમાં પ્રેમ-કરૂણા-અનુકંપાને કેન્‍દ્ર સ્‍થાને રાખ્‍યો છે અને ભૌતિક વિકાસની સાથે આદ્યાત્મિક વિકાસને પણ પ્રાધાન્‍ય આપ્‍યું છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે, જ્યાં ગૌવંશની હત્‍યા કરનારને કડક સજા થાય તેવું બિલ અમારી સરકાર લાવી છે. એટલું જ નહીં પક્ષીઓને બચાવવા મકરસંક્રાંતિએ ‘કરૂણા અભિયાન’ અને સ્‍વચ્‍છતા મિશન રાજ્યના યાત્રાધામોમાં ચોવીસ કલાક સ્‍વચ્‍છતા જાળવવાનું અભિયાન હાથ ધર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ જણાવ્‍યું હતું કે, પ્રેમસૂરીશ્વરજી જૈન શાસનના સિદ્ધાંતો જીવ્‍યા છે અને એમના આદર્શોનું અનુસરણ એ જ તેમને સાચી ગુરૂવંદના છે. આસુરી શક્તિનો ક્ષય થાય અને સાત્‍વિક શક્તિનો ઉદય થાય ત્‍યારે જ કલ્‍યાણ રાજ્યની સ્‍થાપના થાય છે. દેશભરમાં પદયાત્રીઓને સુરક્ષા મળે તે અમારી અગ્રીમતા છે અને આવા સંતોના પગપાળા પ્રવાસ દરમિયાન અહિંસા અને શાંતિનો સંદેશો વહે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, પ.પૂ.તપગચ્‍છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મહારાજના સૌથી વ્હાલુ જૈન શાસન હતું. ૫૭ વર્ષના આચાર્યપદ પર્યાપ્‍ત દરમિયાન તેઓએ ૧૦૮ જિનાલયનું નિર્માણ કર્યું હતું. ‘શાસન મારૂ અને હું શાસનના’ આ જીવન મંત્ર સાથે સદાય જોડાયેલા રહ્યા હતા.

આ પ્રસંગે મહેસાણા પાંજરાપોળને સમસ્‍ત મહાજન ટ્રસ્‍ટ તરફથી રૂ.૨૧ લાખનો ચેક અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે પ.પૂ.ગચ્‍છાધિપતિ શ્રી મનોહર કિર્તીસાગર સુરીશ્વરજી મહારાજ, મેયર ગૌતમભાઇ શાહ, ધારાસભ્‍ય રાકેશભાઇ શાહ, ધારાસભ્‍ય શ્રીમતી વર્ષાબેન દોશી, જૈન અગ્રણીઓ, ગુરૂભગવંતો, આચાર્યશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.


error: Content is protected !!