Main Menu

ફેબ્રુઆરીમાં સ્થાનકવાસી જૈન સમાજમાં દીક્ષાઓની હારમાળા

મુંબઇ, બોટાદ,થાણા,ગાંધીધામ, મુન્દ્રા,કચ્છ,વઢવાણ,વલસાડ માં દીક્ષા મહોત્સવ ઊજવાશે…..

*આવી રે આવી દીક્ષાઓ આવી..*
*જૈન સમાજમાં હરખની હેલીઓ લાવી*

જૈન સમાજ માટે ફેબ્રુઆરી માસ એટલે એમ કહેવાય કે દીક્ષાઓનો મહીનો,કારણકે ફેબ્રુઆરી માસમાં જૈન સમાજ માં પ્રાય : કરીને વધારે દીક્ષાઓ થતી હોય છે.આગામી ફેબ્રુઆરી મહીનામાં સ્થાનકવાસી જૈનોના વિવિધ સંપ્રદાયોમાં *અનેક હળુકર્મી આત્માઓ ભર યુવાન વયે સુખ – વૈભવોને ઠોકર મારી કઠોરતમ ત્યાગ માગૅનો સ્વીકાર કરી* જૈન શાસનની આન – બાન અને શાન વધારી સ્વ – પરનું કલ્યાણ કરશે.
*જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાના જણાવ્યા મુજબ* મુંબઇ, બોટાદ,થાણા,ગાંધીધામ –  કચ્છ,લાખાપુર – મુન્દ્રા,વઢવાણ ,વલસાડ સહિત ના શહેરોમાં અનેક આત્માઓનો ભવ્ય દીક્ષા મહોત્સવ ઊજવાશે.
મુંબઇ સંપ્રદાયના અગ્રણી અતુલભાઈ ચુડગરના જણાવ્યા મુજબ તા.૧/૨/૧૭ ના રોજ અંધેરી ઝાલાવાડ સંઘને આંગણે મુંબઇ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ભાવેશમુનિજી મ.સા.સમીપે *મુમુક્ષુ મિતેશભાઈ કામાણી*(ઉ.વષૅ. ૩૮)દીક્ષા અંગીકાર કરશે.બોટાદ સંપ્રદાયના સંજયભાઈ દોશીના જણાવ્યા મુજબ તા.૨/૨/૧૭ ના રોજ એક સાથે બે દીક્ષાઓ થશે.બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.અમીચંદજી મ.સા.,પૂ.શૈલેશમુનિજી આદિ સંત – સતિજીઓના પાવન સાનિધ્યમાં *દીક્ષાર્થી નિધીબેન શાહ(ઉ.વષૅ ૨૨) તથા દીક્ષાર્થી વેદાંતીબેન શાહ*(ઉ.વષૅ ૨૧) બોટાદ સંઘને આંગણે સંયમના સાજ સજશે.
મુંબઇ થાણા ખાતે અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ. ભાવચંદ્રજી મ.સા.ની શુભ નિશ્રામાં તા.૬/૨/૨૦૧૭ ના રોજ એક સાથે બે દીક્ષાઓ થશે તેમાં *વૈરાગી ચાંદનીબેન ગાલા (ઉ.વષૅ.૨૨) તથા વૈરાગી રિતિકાબેન રૂણવાલ (ઉ.વષૅ ૧૯ )* પ્રવજયા પંથે પ્રયાણ કરશે તેમ ભરતભાઈ શેઠની યાદિમાં જણાવાયું છે.
અજરામર સંપ્રદાયના છબીલભાઈ શેઠના જણાવ્યા મુજબ તા.૯/૨/૧૭ ના રોજ ગાંધીધામ – કચ્છમાં પણ એક સાથે બે આત્માઓ સંયમ માર્ગે પ્રયાણ કરશે તેમાં *મુમુક્ષુ તેજસભાઈ વોરા ( ઉ.વષૅ ૨૪) તથા વૈરાગી ખુશાલીબેન મોરબીયા ( ઉ.વષૅ ૨૪)* આ બન્ને આત્માઓ અજરામર સંપ્રદાયના પૂ.ધૈયમુનિ મ.સા.આદિ સંત – સતિજીઓની પ્રેરક ઉપસ્થિતિમાં દીક્ષા અંગીકાર કરશે.
લીંબડી ગોપાલ સંપ્રદાયના મુકેશભાઈ ના જણાવ્યા મુજબ આગામી તા.૯/૨/૧૭ ના જ રોજ ઝાલાવાડ પ્રાંતના વઢવાણ મુકામે પૂ.રામ ઉત્તમકુમારમુનિજીના પાવન સાનિધ્યમાં ૧૮ વષૅનો નવ યુવાન *મુમુક્ષુ જૈનમભાઈ મહેતા*જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરશે.કચ્છ આઠ કોટી નાની પક્ષ સંપ્રદાયના અગ્રણી અશોકભાઈ શાહના જણાવ્યા મુજબ તા.૧૫/૨/૧૭ ના રોજ મુન્દ્રા તાલુકાના લાખાપુર ગામની ધરતી પર પૂ.લીલાધરજી મ.સા.ના સાનિધ્યમાં *વૈરાગી કિંજલબેન મારૂ* (ઉ.વષૅ.૨૫) સંયમ ધમૅનો સ્વીકાર કરશે.
અજરામર સંપ્રદાયના અગ્રણી વિજયભાઈ શાહના જણાવ્યા મુજબ તા.૧૮/૨/૧૭ના રોજ અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ. પ્રકાશચંદ્રજી મ.સા.ની નીશ્રામાં વલસાડ મુકામે દિક્ષાર્થી *અમરિતાબેન રીટા* ( ઉ.વષૅ ૨૯ )નો દીક્ષા મહોત્સવ ઊજવાશે.જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ વધુમાં જણાવ્યું કે આ *નેટ અને ચેટના યુગમાં ભર યુવાન વયે સ્વચ્છાએ ત્યાગ માગૅનો સ્વીકાર કરી રહ્યાં છે*તે દરેક આત્માઓ વંદનીય એવમ્ અભિનંદનીય છે.
જૈન શાસનની બલિહારી છે કે રાજા – મહારાજાઓ,રાજકુંવરો- રાજ કુંવરીઓ અને રાણીઓ પણ રાજ પાટ વૈભવોનો ત્યાગ કરી આત્મ સાધના માટે ચાલી નીકળે છે,તેમ આ બધા ત્યાગી – વૈરાગી આત્માઓ જયારે ” કરેમિ ભંતે ” નો પાઠ ગુરુદેવના શ્રીમુખેથી શ્રવણ અને ગ્રહણ કરશે ત્યારે સંયમ પટાંગણ સ્તવનનાં આવા શબ્દોથી ગૂંજી અને ગાજી ઊઠશે…. *આ કાળમાં સાધુ થનારા મહાન, યૌવન વયમાં સુખ છોડનારા મહાન… રૂડા રાજ સુખોને ત્યાગી,પેલા ચાલ્યા રે વૈરાગી.*