Main Menu

ગુણોત્સવ કાર્યક્રમના બીજા દિવસે મૂલ્યાંકન કરતાં સનદી અધિકારી

બોટાદ : પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા અભિવૃધ્ધિ થાય તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારે આરંભેલા ગુણોત્સવ કાર્યક્રમના બીજા દિવસે રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા સનદી અધિકારીશ્રીઓ તથા મહાનુભાવોની સાથે બોટાદ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી. કે. અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયાએ પણ બોટાદ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતુ. ગુણોત્સવ  કાર્યક્રમના આજના દિવસે એડી. ડી.જી.પી. શ્રી સંજ્ય શ્રીવાસ્તવ (આઈ.પી.એસ.) એ બોટાદ તાલુકાની, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના શ્રી જે. ટી. અખાણી (આઈ.એ.એસ.) એ ગઢડા તાલુકાની, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી. કે. એ ગઢડા તાલુકાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયાએ બોટાદ શહેરની, ગૌ સેવા આયોગના ઉપાધ્યક્ષશ્રી ચૈતન્ય શંભૂ મહારાજે ગઢડા તાલુકાની તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષશ્રી ડો. અનિલ પટેલે રાણપુર તાલુકાની પ્રાથમિક શાળાની મૂલાકાત લઈ શાળામાં અભ્યાસ કરતાં બાળકોની વાંચન – લેખન અને ગણનની ચકાસણી કરી શાળામાં હાથ ધરાયેલી સહ – અભ્યાસની પ્રવૃત્તિઓનું મૂલ્‍યાંકન કર્યું હતુ. ગુણોત્સવના આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહેલા આઈ.એ.એસ. – આઈ.પી.એસ. અધિકારીશ્રીઓ તથા મહાનુભાવો દ્વારા શાળામાં થતી પ્રાર્થના, તેમાં સક્રિય રીતે ભાગ લેતા બાળકો, શાળામાં થતી યોગિક ક્રિયાઓ, રમતોત્સવ, ખેલ મહાકુંભ, રમત ગમતની પ્રવૃત્તિઓમાં કન્‍યાઓની સપ્રમાણ  ભાગીદારી, વિષયવસ્‍તુ આધારિત પ્રવૃત્તિઓ, બાળમેળો અને ઈકો ક્લબ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, શાળામાં સ્‍વચ્‍છતા ઉપરાંત શાળાની વિવિધ  પ્રવૃત્તિઓમાં લોકોની ભાગીદારી વગેરે જેવા વિવિધ પાસાઓની પણ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, શાળામાં ચાલતી સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં અગત્‍યનો ભાગ ભજવે છે. તેથી જ બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ સંસાધનનો યોગ્‍ય ઉપયોગ થાય અને બાળકો વધુ સારૂં ગુણાત્મક શિક્ષણ મેળવી શકે તેવી રાજ્ય સરકારની નેમ રહી છે. બોટાદ જિલ્લામાં આજના બીજા દિવસે ઉક્ત મહાનુભાવો ઉપરાંત રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત રહેલા અન્ય  ઉચ્ચ અધિકારીશ્રીઓએ તથા જિલ્લાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ પણ વિવિધ શાળાઓની મૂલાકાત લઈ તેનું સમગ્રતયા મૂલ્યાંકન કર્યું હતુ.


error: Content is protected !!