Main Menu

ગ્લોબલ ટ્રેડ શો શરૂ

ગાંધીનગર, તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મહેમાન બન્યા બાદ સૌથી પહેલા ગાંધીનગર રેલવે સ્ટેશનના નવિનીકરણ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કર્યા બાદ વાઈબ્રન્ટના ભાગરૂપે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ગ્લોબ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યા બાદ મોદીએ ઉત્સુકતાપૂર્વક ગ્લોબલ ટ્રેડ શોમાં રહેલા આકર્ષક સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું. જુદા જુદા દેશોના પવેલિયનની મુલાકાત પણ લીધી હતી. સાથે સાથે તેમના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. મોદીએ આ ટ્રેડ શોમાં ઉપસ્થિતિ દરમિયાન તમામની સાથે ઉત્સુકતાપૂર્વક ફોટા પણ પડાવ્યા હતા. મોદી ટ્રેડ શોમાં ઈલેકટ્રીક કારમાં બેસીને પહોંચ્યા હતા. ત્યારબાદ જુદા જુદા સ્ટોલની મુલાકાત લીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ દોઢ લાખ ચોરસમીટર વિસ્તારમાં ૨૦૦૦થી વધુ સ્ટોલ સાથે દેશના સૌથી મોટા વેપારી પ્રદર્શનને લઇને પહેલાથી જ ઉત્સુકતા પ્રવર્તી રહી હતી. ૧૩મી જાન્યુઆરી સુધી ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ચાલનાર છે. ગ્લોબલ ટ્રેડ શોમાં ૧૦મીથી લઇને ૧૧મી જાન્યુઆરીના દિવસે વેપારીપ્રતિનિધિમંડળો, ઉદ્યોગોના જનપ્રતિનિધિઓ તથા ૧૨ અને ૧૩મી જાન્યુઆરીના દિવસે સામાન્ય લોકો પણ આ પ્રદર્શનમાં જઇ શકશે. ટ્રેડ શોમાં ૧૫૦થી વધુ હોટસ્પોટ સાથેના વાઈફાઇ નેટવર્ક ઉભા કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૦૩થી આનુ આયોજન કરવામાં આવે છે. હવે આઠમી વખત આનું આયોજન  કરવામાં આવ્યું છે. દેશના સૌથી મોટા વ્યાપારીક પ્રદર્શન સમા આ પ્રદર્શનમાં ૨૦૦૦થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે.  અંદાજે ૧૫ થી ૨૦ લાખ લોકો આ પ્રદર્શનનો લાભ લે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ટ્રેડ-શોમાં ૧૫૦થી વધુ હોટ સ્પોટ સાથેનું વાઈ-ફાઈ નેટવર્ક ઉભું કરાયું છે. એરપોર્ટથી મહાત્મા મંદિર માર્ગ પર વધારાનો ટેલિકોમ ટાવર ઉભો કરાયો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં જે મહત્વના પેવેલીયન્સ ઉભા કરાયા છે તેમાં ઓટોમોબાઈલ્સ, એગ્રો એન્ડ ફુડ, એરોસ્પેશ એન્ડ ડિફેન્સ, એનર્જી એન્ડ પેટ્રોકેમીકલ્સ, પર્યાવરણ, આરોગ્ય સંભાળ, ફાર્મા, બાયોટેક, એન્જીનીયરીંગ એન્ડ મેન્યુફેકચરીંગ, અર્બન મોબીલીટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર, મેરીટાઈમ, સંશોધન અને વિકાસ, આઈટીઆઈટીઈએસ નાણાકીય સેવાઓ, સ્કીલ એજ્યુકેશન, ટેક્ષટાઈલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંગઠનો, મહિલા ઉદ્યોગ સાહસિકો, સુક્ષ્મ, નાના મધ્યમ ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટઅપ્સ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.






Comments are Closed