Main Menu

મકરસંક્રાંતિ નિમિત્તે પંપા સરોવર ખાતે રામ આગમન યાત્રા અને શબરીમેળો

દર વર્ષની જેમ આ વર્ષે પણ દંડકારણ્ય – ડાંગ સ્થિત માં શબરીના ધામ, શબરીધામ ખાતે મકરસંક્રાંતિ ના દિવસે રામ આગમન યાત્રા અને શબરીમેળાનું આયોજન કરવામાં આવ્યું. ૧૩મી તારીખ ના રવિવારે ડાંગ, મહારાષ્ટ્ર, સુરત, તાપી જેવા અનેક સ્થળેથી હજારોની સંખ્યામાં પ્રભુ શ્રીરામના ભક્તો પંપા સરોવર ખાતે ઉમટી પડ્યા હતા.

પંપા સરોવર ખાતે સવારે યજ્ઞ અને સાંજે ધર્મસભા અને ભજન સંધ્યા નું સુંદર આયોજન શ્રી શાબરીમાતા સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું. ધર્મસભામાં વનવાસી કલ્યાણ આશ્રમના અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય મા. શ્રી સુરેશરાવ કુલકર્ણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહારાષ્ટ્ર પ્રાંતના ધર્મજાગરણ પ્રમુખ મા. શ્રી નંદુ ગિરજે, જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી વિપુલભાઈ પટેલ, ડાંગના સુપ્રસિદ્ધ કથાકાર યશોદા દીદી એ વિશેષ હાજરી આપી હતી. ધર્મસભા ના સમાપનમા ડાંગના ગામો માંથી આવેલ ભજન મંડળો એ સવાર સુધી પ્રભુ શ્રી રામ અને માતા શબરીના ભજનો પીરસ્યા હતા અને દરેક ભાવિક ભક્તો એ ભજનોમાં તરબોળ થઇ ગયા હતા.

મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારે હજારો રામ ભક્તો એ પંપા સરોવરમાં પવિત્ર સ્નાન કરીને પ્રભુ શ્રીરામ અને ભ્રાતા લક્ષ્મણ ની સાથે શબરીધામ જવા માટે પ્રયાણ કર્યું હતું અને શબરીધામ ખાતે માતા શબરીની વર્ષોની પ્રતીક્ષાનો અંત આવ્યો હતો. શબરીધામ ખાતે પ્રભુ શ્રી રામ અને માં શબરીના મિલન ના ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.