Main Menu

વઘઇ તાલુકાના આંબાપાડા ગામની પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓ ધૂણતા હોવાના થયેલા અહેવાલ

વઘઇ તા:04

ડાંગ જિલ્લાના વધઇ તાલુકાના આંબાપાડા ગામની પ્રાથમિક શાળાના ત્રણ વિઘાર્થીઓ, છેલ્લા બાર/પંદર દિવસોથી શાળાએ આવ્યા બાદ, ધૂણતા હોવાના વહેતા થયેલા અહેવાલને પગલે ડાંગ જિલ્લા વહિવટી તંત્રની ટીમે ધટના સ્થળની જાતમુલાકાત લઇ, બનાવની સત્યતા ચકાસવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ગત રાત્રિના વધઇ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તેમની ટીમે પ્રથમ શાળા, તેના વિઘાર્થીઓ તથા વાલીઓની મુલાકાત લઇ બનાવની ખરાઇ કરી હતી.

ત્યાર બાદ આજે જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતા, વધઇ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.ડી.સી.ગામીત તથા તેમની ટીમ, આહવા સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સ ડૉ.અંકિત રાઠોડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.પવાર વિગેરે સંયુક્ત રીતે આંબાપાડાની પ્રાથમિક શાળાના અસરગ્રસ્ત બાળકોની મનોશારીરિક ચકાસણી કરી, તેમની સાથે બની રહેલી ધટનાનો તાગ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

મનોચિકિત્સક ડૉ.અંકિત રાઠોડના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં માહે ડીસેમ્બર, અને જાન્યુઆરી માસ દરમિયાન ઠેર ઠેર અહીંની સ્થાનિક પંરપરા મુજબ ડુંગરદેવની પૂજાઅર્ચના કરવામાં આવતી હોય છે. જેમાં આદિવાસી સમાજના લોકો મોટે પાયે સામેલ થતા હોય છે. તેવા સમયે જ બનેલી આ ધટના પ્રથમદર્શિય રીતે કલ્ચરલ બાઉન્ડ ફિનોમીના/સિન્ડ્રોમની હોવાનું તેમના કાઉન્સેલિંગમાં બહાર આવવા પામ્યુ હતું. સ્થાનિક માન્યતા અનુસાર શાળાના પ્રાર્થના ખંડમાં આવ્યા બાદ જ આ બાળકો જાણે કે તેમનામાં કોઇ દેવીશક્તિનો સંચાર થતો હોય તે રીતે ધૂણવા માંડતા હતા. તેમની આસ્થા, અને ગ્રામજનોની શ્રદ્ધા મુજબ સ્થાનિક રીતે આદિવાસીઓના દેવદેવીઓની પૂજાઅર્ચના કરતા ભગતો તથા જાણકારોની સલાહ લઇને આ કેસમાં તેમની આસ્થાને કોઇપણ જાતની ઠેસ ન પહોંચે તે રીતે તેનું નિરાકરણ લાવવાની દિશામાં, જરૂર પડયે વધુ કાઉન્સેલિંગ હાથ ધરાશે, તેમ પણ ડૉ.રાઠોડે વધુમાં જણાવ્યું હતું આંબાપાડાની પ્રાથમિક શાળામાં નાતાલ વેકેશન પહેલાથી બની રહેલા આ બનાવને પગલે આ અસરગ્રસ્ત વિઘાર્થીઓ સહિત અન્ય વિઘાર્થીઓનો પણ અભ્યાસ ન બગડે તે ધ્યાને લઇને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોમાં સ્થાનિક ગ્રામજનો, વાલીઓનો સહયોગ જરૂરી છે, તેમ ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.પવારે જણાવ્યું હતું