Main Menu

આહવા ખાતે જિલ્લા કક્ષાનો એન.આઇ.ડી. પોલીયો વર્કશોપ યોજાયો

વઘઇ, આહવા ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો એન.આઇ.ડી. પોલીયો વર્કશોપ જેમાં
આહવા તાલુકાના મેડીકલ ઓફિસરો તથા સુપરવાઇઝરોને અપાયુ માર્ગદર્શન.આગામી તા.૩જી ફેબ્રુઆરીથી આરંભાશે પોલીયો અભિયાન ૨૦૧૯ ઉચ્ચાધિકારીઓએ અમલીકરણની કાર્યપદ્ધતિની આપી સમજ

ડાંગ જિલ્લાને સ્વસ્થ રાખવા માટે સતત ચિંતિત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના પ્રયાસોમાં, ખૂબ જ સંવેદનશીલતા સાથે યોગદાન આપી, આરોગ્યલક્ષી કાર્યક્રમોના અમલીકરણમાં ચોક્સાઇ સાથે એક પણ જરૂરિયાતમંદ દર્દી આરોગ્ય સેવાથી વંચિત ન રહી જાય તેની કાળજી રાખવાનો અનુરોધ ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ કર્યો છે.નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પોલીયો વર્કશોપમાં ભાગ લઇ રહેલા આહવા તાલુકાના મેડીકલ ઓફિસરો તથા સુપરવાઇઝરો માટેના યોજાયેલા ખાસ વર્કશોપને ખુલ્લો મુકતા ડૉ.મહેતાએ પોલીયોને દેશવટો આપવા માટે પ્રયત્નશીલ સરકારના કાર્યક્રમના સૂચારુ અમલીકરણની વિગતો આપી હતી.
સૂરત સ્થિત વિભાગીય કચેરીના સર્વેલન્સ મેડીકલ ઓફિસરશ્રી ડૉ.ચિરાગ વાલિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ એકદિવસીય વર્કશોપ દરમિયાન ડૉ.વાલિયાએ પોલીયો અભિયાન અંતર્ગત અનુસરવાની કાર્યપદ્ધતિની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિગતો પુરી પાડી, ટીમ વર્કની ભાવના સાથે પોલીયો જેવા રોગને દેશવટો આપવા માટે સૌને એકજૂટ થવાની હિમાયત કરી હતી. કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસરો સર્વશ્રી ડૉ.પૌલ વસાવા, ડૉ.ડી.સી.ગામીત, અને ડૉ.દિલીપ શર્માએ પણ ઉપસ્થિત રહી તબીબી અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડયુ હતું. વર્કશોપની કાર્ય વ્યવસ્થા, આયોજન જિલ્લા માહિતી-શિક્ષણ-પ્રસારણ અધિકારી શ્રી રમેશભાઇ પવાર તથા તેમની ટીમે સંભાળ્યુ હતું.