Main Menu

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનું બસ સ્ટેન્ડ અત્યંત જર્જરીત હાલતમાં

વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે એ જરૂરી
તાલુકામથકે બસ ડેપો તો દૂરની વાત સ્ટેન્ડની જાળવણી પણ તંત્રથી થતી નથી. તાલુકા મથકે આવેલ બસ સ્ટેન્ડ ખંડેર…
વઘઇ : ડાંગ જિલ્લાના સુબિર તાલુકામથકે બસ ડેપો તો દૂરની વાત સ્ટેન્ડની જાળવણી પણ તંત્રથી થતી નથી.તાલુકા મથકે આવેલ બસ સ્ટેન્ડ ખંડેર અવસ્થામાં ફેરવાઈ ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં મુસાફર વર્ગ માટે કપરા દિવસો વેઠવાનો વારો આવશે તેવી સ્થિતિ જન્મી છે. દિવસેને દિવસે તૂટીને પોતાના આયુષ્યને સમય બતાવી દીધો હોય તેમ ખુદ બસ સ્ટેન્ડ હવે ચેતવણી આપી રહ્યું છે. ત્યારે બસ સ્ટેન્ડની હાલત વધુ ખરાબ થાય તે પહેલા નવા બસ સ્ટેન્ડ ની કામગીરી વહેલી તકે કરવામાં આવે એ જરૂરી છે સુબીર તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં પણ વધુ ગામોનો સમાવેશ થાય છે. અને તાલુકા મથકે આવેલ મહત્વની સરકારી કચેરીઓ જેવી કે ,મામલતદાર કચેરી ,તાલુકા પંચાયત કચેરી ,પોલીસ સ્ટેશન અને શાળા , તેમજ આઇ.ટી.આઈ જેવી સંસ્થા આવેલી છેં.એ ઉપરાંત પ્રવાસન સ્થળો પણ આ સુબીર તાલુકામાં ઘણા બધા આવેલ છે સરકારી  હોસ્પિટલ જેવા મહત્વના પ્રતસ્થિાનો આવેલા છે. જેને પગલે મોટી સંખ્યામાં તાલુકાની પ્રજા દૈનિક કામ ધંધા કે રોજગાર અર્થે આવતી હોય છે.જયારે પ્રવાસન સ્થળ જેવા કે શબરીધામ, મહાલ કેમ્પ સાઇટ, પંપાસરોવર, જેવા ઘણા બધા સ્થળો ફરવા લાયક છે કે જ્યાં પ્રવાસીઓ ફરવા આવતા હોય છે જેથી મુસાફરો માટે મહત્વના આશ્રયસ્થાન સમાન બસ સ્ટેન્ડ ખંડેર અવસ્થામાં ફેરવાતા તાલુકાની પ્રજા ભારે મુશ્કેલી વેઠી રહી છે. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી તાલુકા મથકે બસની રાહ જોતો વર્ગ જાણે રોજિંદી આદત મુજબ આસપાસના લારી ગલ્લા કે દુકાનોના ઓટલા ઉપર આશ્રય લેતા નજરે પડે છે. કેટલોક વર્ગ પ્લોટ વિસ્તારમાં આવેલ મહત્વની સરકારી કચેરીઓના ઓટલાઓ ઉપર ઓથે કે ઝાડને સહારે આસરો લેવા મજબૂર બને છે. જેને પગલે ક્યારે અપમાનનો ભોગ પણ બનતાં હોય છે. ત્યારે મુસાફરોના હિતમાં યોગ્ય બેઠક વ્યવસ્થા સાથે વિશાળ બસ સ્ટેન્ડની વહેલી તકે કામગીરી કરાય એવી માંગ છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ સુબીર થી અપડાઉન કરે છે. સંખ્યા ધ્યાનમાં લઈને વિચાર કરવામાં આવે તો પૂરતી બેઠક વ્યવસ્થાનો પણ અભાવ છે. ત્યારે વિદ્યાર્થી કે મુસાફરોની શી દશા થતી હશે તે પણ એક મોટો પ્રશ્નો છે. કારણકે શાળા કોલેજના સમય અનુરૂપ હજુ પણ બસ વ્યવસ્થાની નિયમિતા નહીં જળવાતા મોટા ભાગનો સમય વિદ્યાર્થીઓએ આમતેમ અટવાતા રહીને સમય પસાર કરવો પડે છે. વિશાળ અને સુવિધાવાળુ બસ સ્ટેન્ડ બને એવી માંગ સ્થાનિક અને રોજ અપડાઉન કરતાં મુસાફરો કરી રહ્યા છે.


« (Previous News)