Main Menu

બોટાદના ગરીબ પરિવારના કુળદીપકને મળ્યું નવજીવન

એપ્લાસ્ટીક એનેમીયાથી પીડાતા દેવાંગને
બોન મેરોવ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનથી નવી જીંદગી મળી

ખાનગી હોસ્પિટલમાં અંદાજીત રૂ. ૩૦ લાખના ખર્ચે થતું ઓપરેશન
સરકારના શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી વિનામૂલ્યે કરાયું

મજૂરી કામ કરી પરિવારના પાંચ વ્યક્તિનું ભરણપોષણ કરતાં ઘરના મોભીને જ્યારે ખબર પડે કે તેમના સંતાનોને એપ્લાસ્ટીક એનેમીયા એટલે કે ઘાતક પાંડુરોગ થયો છે, અને તેમને બચાવવા માટે અંદાજીત રૂપિયા ૨૫-૩૦ લાખના ખર્ચે થતું બોન મેરોવ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન એ એક માત્ર ઉપાય છે. તો તે પરિવારના મોભી ઉપર તો આભ જ તૂટી પડયું હોય તેવી અનુભૂતિ થાય તે સ્વાભાવિક છે. માંડ માંડ મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા પરિવાર માટે ૨૫ – ૩૦ હજાર રૂપિયા એકસાથે ભેગા કરવા પણ બહુ જ મુશ્કેલ હોય છે, તો ૨૫-૩૦ લાખ રૂપિયાના ખર્ચે બોન મેરોવ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવવું અશક્ય જ નહી પરંતુ અસંભવ જ લાગે. આવા પરિવારોને તેમની વિકટ પરિસ્થિતિમાં સગા – સ્નેહીજનો પણ આટલી મોટી રકમની મદદ ન કરી શકે તેવા સમયે આવા ગરીબ પરિવારોના દીકરા–દીકરીઓને ગંભીર રોગથી થતાં મૃત્યુમાંથી બચાવવા રાજય સરકાર તેમની વહારે આવી છે. આ વાત છે બોટાદ જિલ્લાની. બોટાદ શહેરના ખોડિયાર નગરમાં રહેતા સંજયભાઇ હિરાણી મજૂરી કામ – કડીયા કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરી સોનલ અને દીકરો દેવાંગ તેમના ઘર પાસે આવેલી શાળા નંબર – ૨૦ માં નિયમિત અભ્યાસ માટે જાય છે. ૨૦૧૬ – ૧૭ ના વર્ષમાં રાજય સરકારના શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્યની ટીમ તેમની શાળામાં ગઈ ત્યારે તપાસ કરતાં તેમને સંજયભાઈના પુત્ર દેવાંગને ઘાતક પાંડુરોગ હોવાનું જણાયું. તેમણે દેવાંગના માતા – પિતા સાથે આ બાબતે વાત કરી દેવાંગની વધુ સારવાર અને જરૂર મુજબનું ઓપરેશન સરકાર દ્વારા વિનામૂલ્યે કરાવી આપવામાં આવે છે તે બાબતની જાણકારી આપી. ત્યારબાદ દેવાંગને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સંદર્ભ સેવા અર્થે મોકલવામાં આવ્યો. જ્યાં તેના જરૂરી રિપોર્ટ કરી દેવાંગનું બોન મેરોવ ટ્રાન્સપ્લાન્ટનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું. જે ખૂબ જ સફળ રહ્યું. પોતાના વ્હાલસોયા પુત્રને મોતના મુખમાંથી પાછો ફરેલો જોઈ તેના પિતા સંજયભાઈ હિરાણીએ ગદગદ્દીત સ્વરે જણાવ્યુ હતુ કે, સરકારે મારા પુત્રને નવું જીવન આપ્યું છે. દેવાંગ ૭ વર્ષનો હતો ત્યારથી તેને હાંફ ચડવો, નબળાઈ લાગવી, રમતાં – રમતાં થાકી જવું, ભણવામાં મન ન લાગવું જેવી તકલીફ થવા લાગી હતી. અમે ડોકટરોને બતાવ્યું તો તેમણે તેને પાંડુરોગ (એનેમિયા) થયો છે, તેમ જણાવ્યું હતુ. આ માટે અમે ભાવનગરની સર. ટી. હોસ્પિટલમાં વધુ તપાસ – રીપોર્ટ કરાવતાં દેવાંગને એપ્લાસ્ટીક એનેમીયા એટલે કે, ઘાતક પ્રકારનો પાંડુરોગ થયો હોવાનું અમને માલૂમ પડયું. જેના ઓપરેશન માટે અમે ખાનગી દવાખાને તપાસ કરી તો ત્યાં અમને જાણવા મળ્યું કે, આના માટે બોન મેરોવ ઓપરેશન કરવું પડે જેના માટે ૨૫ થી ૩૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે, આ સાંભળી ત્યારે તો અમારા ઉપર જાણે આભ જ તૂટી પડયુ હોય તેવું અમને લાગ્યુ. અમારા જેવા ગરીબ પરિવારો માટે એકસાથે ૨૫-૩૦ હજાર રૂપિયા પણ ભેગા કરવા હોય તો પણ અનેકવાર વિચાર કરવો પડે, ત્યારે આ તો ૨૫ થી ૩૦ લાખ રૂપિયાની વાત હતી. અમારા માટે આટલો મોટો ખર્ચ કરવો અશક્ય જ હતો. અમે સાવ જ નિ:સહાય સ્થિતિમાં હતા. તેમ જણાવતા સંજયભાઈ હિરાણીએ વધુમાં ઉમેર્યું હતુ કે, જો તે સમયે સરકાર અમારી મદદે ન આવી હોત તો કદાચ અમારો પુત્ર પણ આજે જીવિત ન હોત. સરકારના શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો લાભ અમને મળ્યો આ કાર્યક્રમ દ્વારા અમારા દેવાંગની સંપૂર્ણ તપાસ – સારવાર થઈ. જે બોન મેરોવ ઓપરેશન કરવાના અમને ખાનગી દવાખાનામાં ૨૫ થી ૩૦ લાખ રૂપિયા કહ્યા હતા. તે જ ઓપરેશન આ કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે – એકપણ રૂપિયો આપ્યા વિના કરવામાં આવ્યું. જે સફળ થયું અને તેના કારણે જ આજે અમારો પુત્ર અમારી સાથે છે. આજે પોતાના એકના એક લાડકા દિકરાને આનંદિત ચહેરે શાળાએ જતા, રમતા અને ભાઈબંધો સાથે ધીંગામસ્તી કરતો જોઈને આનંદની સાથે થોડા દુ:ખની લાગણી વ્યક્ત કરતાં હિરાણી દંપતી જણાવે છે કે, થોડાં વર્ષો પહેલા આ જ બિમારીમાં અમારી એક દીકરીનું મૃત્યુ થયું છે. તે સમયે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે અમે તેનું ઓપરેશન કરાવી શક્યા ન હતા, જેનું અમને દુ:ખ છે. પરંતુ આ વખતે અમારી આર્થિક પરિસ્થિત એવી જ હોવા છતાં પણ સરકારના આ શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના કારણે અમે અમારા દીકરાનો જીવ બચાવી શક્યા છીએ તેનો અમને ખૂબ આનંદ છે.

બોટાદ જિલ્લાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના નોડલ અધિકારીશ્રી ડો. હિતેન્દ્ર ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે એપ્લાસ્ટીક એનેમીયાની સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે. આ રોગના દર્દીઓને દર મહિને લોહી ચડાવવું પડે છે, તથા તેનો બોન મેરોવ ઓપરેશનનો ખર્ચ પણ ખૂબ જ થાય છે. જેને ધ્યાને લઈ ગુજરાતમાં એપ્લાસ્ટીક એનેમીયાથી એકપણ બાળકનું મૃત્યું ન થાય અને આ બિમારીથી પીડાતા બાળકોને સારવાર અને ઓપરેશન વિનામૂલ્યે મળી રહે તે માટે ૨૦૧૬ ના વર્ષથી રાજય સરકાર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમમાં બોન મેરોવ ટ્રાન્સપ્લાન્ટની સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં બોટાદ જિલ્લાના બે બાળકોને નવજીવન મળ્યું છે. ભૂતકાળના દાયકાઓ ઉપર નજર કરીએ તો ગરીબી – આર્થિક વિષમ પરિસ્થિતિના કારણે ગુજરાતના અનેક પરિવારોના વ્હાલસોયા બાળકો ગંભીર રોગમાં ઓપરેશન – સારવારના અભાવે મૃત્યુ પામતા હતા, જેને ધ્યાને લઈ રાજય સરકારે શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ગુજરાતનું એકપણ બાળક ગરીબી – સારવારના કારણે મૃત્યુ ન પામે તે માટેનો આરોગ્ય યજ્ઞ આરંભ્યો છે. જેનો લાભ આપણા ભાવિ નાગરિકો એવા બાળકોને સાચા અર્થમાં મળી રહ્યો છે.