Main Menu

નવનિયુક્ત સરપંચશ્રીઓના અભિવાદન સમારોહ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાના જણાવ્યા અનુસાર આજરોજ ભારતીય જનતા પાર્ટી સમર્થિત સરપંચશ્રીઓનું ભારતીય જનતા પાર્ટી કાર્યાલય, શ્રી કમલમ  ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. હજારોની સંખ્યામાં સરપંચશ્રીઓ તથા  તેમના ટેકેદારો ગુજરાતના ખુણે ખુણેથી ઉમટ્યાં હતાં. ઉપસ્થિત વિરાટ જનમેદનીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, આજે વિજયના વધામણા  માટે સરપંચશ્રીઓનું અભિવાદન સમારોહ યોજવામાં આવેલ છે. ગુજરાતમાં ૧૦ હજાર કરતાં પણ વધારે સરપંશ્રીઓની ચૂંટણી યોજાઇ ગઇ,  જેમાં ૮૦ ટકા કરતાં પણ વધારે ભાજપાના સમર્થનવાળા અને ભાજપાની વિચારધારાને વરેલા સરપંચશ્રીઓ ચૂંટાઇ આવ્યા છે, તે સૌ સ્વયંભૂ આજે અહીં ઉપસ્થિત છે. ધાર્યા કરતાં પણ વિશાળ સંખ્યામાં સરપંશ્રીઓ અને ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ અત્રે ઉપસ્થિત હતાં. મંડપમાં બેસવાની જગ્યા પણ ઓછી પડી તે ગુજરાતના લોકોનું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને વિકાસની રાજનીતિ પ્રત્યેનો અહોભાવ દર્શાવે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કાળાધનને નાથવા માટે કરેલી નોટબંધી અંગે વિરોધપક્ષો દ્વારા કાગારોળ મચાવવામાં આવે છે. અને ગુજરાતમાં કોંગ્રેસપક્ષ એવો પ્રચાર કરે છે કે, ગામડામાં ભાજપાને કોઇ જનાધાર નથી, તેવા પ્રચારને આજના અભિવાદન સમારોહ જડબાતોડ જવાબ છે. ગ્રામ્ય પ્રજાએ પણ નોટબંધીના નિર્ણયને સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગામડાઓમાં વિકાસની દિશામાં જે અનેકવિધ પગલાંઓ લેવાઇ રહ્યાં છે, તેની સાક્ષાત અનુભૂતિ ગ્રામ્ય  જીવનમાં પ્રત્યેકને થવા પામી છે. સરપંચોની ચૂંટણી વખતે જાતિવાદ અને વેરઝેર કેમ ઉભા થાય, કેમ અશાંતિ ઉભી થાય તેવા પ્રયાસો કોંગ્રેસે કર્યા હતાં, અને સરપંચોની ચૂંટણી સમરસ ન થાય તેના માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જયારે ભારતીય જનતા પાર્ટીની સર્વાંગી સમાજનો વિકાસ થાય, ગામડાઓ બેઠા થાય, ગામડાઓને જરૂરીયાત મુજબની સુખ સુવિધાની પ્રાપ્તિ થાય તેવી વિકાસની રાજનીતિ રહી છે. આજે યોજાયેલા આ અભિવાદન સમારોહમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કોંગ્રેસના આગેવાનો એવો અપપ્રચાર કરી રહ્યાં છે કે, સરપંચોને દબાણ કરીને બોલાવવામાં આવી રહ્યાં છે, પરંતુ કોઇ સરપંચ દબાણથી આવ્યાં નથી. દબાણ તથા શોષણની રાજનીતિને ભાજપાની સરકારે પ્રારંભથી જ તિલાંજલિ આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નોટબંધીનો જે નિર્ણય કર્યો છે, તે દેશમાં વર્ષોથી ચાલી આવેલી ચીલાચાલુ નીતિઓ અને  કાર્યક્રમોને બદલીને દેશને બદલવા માટેનો નિર્ણય છે. નવેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ગુજરાતમાં ૧૨૫ માંથી ૧૦૯ બેઠકો ભારતીય જનતા પાર્ટી પ્રજાના આશીર્વાદથી જીતી હતી, ત્યારે પણ કોંગ્રેસ એવો નિરાધાર પ્રચાર કરતી હતી કે, ઇ.વી.એમ. મશીનમાં ગરબડ કરી છે. વિરોધપક્ષ માહોલ બગાડવાના પ્રયાસ કરે છે, તેની સામે લોકો ભાજપાને વધુ ને વધુ સમર્થન આપતા જાય છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી મહેસાણા આવ્યાં હતાં, તેમણે જ્યાં પ્રચાર કર્યો હતો, તેની બાજુના ગામમાં કોંગ્રેસના ઉમેદવારને કારમો પરાજય આપીને ભાજપાના ઉમેદવાર વિજેતા બન્યાં છે. ૧૫ રાજ્યોમાં ભાજપા સરકારમાં નેતૃત્વ કરી રહી છે. ૧૧ કરોડ સભ્ય સંખ્યા
ધરાવતી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. કારણ કે, વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે. સરપંચોની આ ચૂંટણીના પરિણામો આગામી વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓની દિશા બતાવે છે. ગુજરાતની પ્રજા શાણી અને સમજુ છે, ભાજપા અને કોંગ્રેસ પક્ષની નીતિથી તેઓ સારી રીતે પરિચીત હોવાથી કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને ક્યારેય સમર્થન આપશે નહીં. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સને ૨૦૧૭ના નવા વર્ષના પહેલાં દિવસે સૌને અભિનંદન આપતાં અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા બનેલા સરપંચશ્રીઓને આવકારતાં જણાવ્યું હતું કે, આગામી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતિયાંશ કરતાં પણ વધુ બહુમતીથી ગુજરાતમાં ભાજપાની સરકાર બનવાની છે. સરપંચશ્રીઓની આજની વિશાળ સંખ્યા એ દિશા તરફ નિર્દેશ આપે છે. શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસનો સફાયો થાય છે. આથી  કોંગ્રેસ પક્ષે શ્રી રાહુલ ગાંધીને ગુજરાતમાં શક્ય તેટલો વધારે પ્રવાસ કરાવવો જોઇએ કે જેનાથી ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થાય અને માન. વડાપ્રધાનશ્રીના કોંગ્રેસ મૂક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં પણ ગુજરાત નંબર – ૧ બની રહે. આગામી દિવસોમાં આવનારી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થવાનો હોવાનો આત્મવિશ્વાસ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રમાં કોંગ્રેસના શાસન દરમ્યાન જે કાળા નાણાનું સર્જન થયું છે, તેનું કોંગ્રેસને પેટમાં દુ:ખે છે, અને તેથી કાળાબજારીયાઓને બચાવવા માટે નોટબંધીના નિર્ણયનો વિરોધ કરે છે. ૮મી નવેમ્બરે નોટબંધીનો નિર્ણય લેવાયો અને તરત જ ૨૭ નવેમ્બરના રોજ યોજાયેલી નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપાનો ભવ્ય વિજય થયો હતો. કોંગ્રેસની નીતિ દેશમાં તોફાનો થાય, અશાંતિ ફેલાય તેવા કારસાઓ રચવાની હતી, પરંતુ લોકોએ કોંગ્રેસને સાથ આપ્યો નથી. દેશની જનતાને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે, અને શ્રી રાહુલ ગાંધી નવા વર્ષની શરૂઆતમાં જ રજા ઉપર ઉતરીને જાહેર જીવનમાંથી અચાનક અદ્રશ્ય થઇ જાય છે. આવું આચરણ તેમણે ભૂતકાળમાં પણ અનેકવાર કરેલ છે. આવનાર દિવસોમાં દેશની જનતા રાહુલ ગાંધીને કાયમ માટે રજા ઉપર મોકલી દેશે તે બાબતમાં કોઇ શંકા નથી તેમ શ્રી રૂપાણીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધી પછી કરોડો રૂપિયા બેંકમાં આવ્યા છે, તેનો ઉપયોગ ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવનાર છે, તેનો સીધો લાભ જનતાને મળવાનો છે. ભૂતકાળમાં કોંગ્રેસના વડાપ્રધાને એવું કહ્યું હતુ કે, તેઓ ૧ રૂપિયો મોકલે છે, તેમાંથી ૧૫ પૈસા પંચાયતને મળે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પંચાયતોને સીધા નાણાં મળે તેવો નિર્ણય કર્યો છે. ગુજરાતના ૧૬૦૦ કરોડ રૂપિયા પંચાયતોના હાથમાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રિય પંચાયત રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઇ રૂપાલાએ તેમની આગવી શૈલીમાં સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, ગામડામાં સરપંચશ્રીની ચૂંટણી એ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરતાં પણ જીતવી અઘરી હોય છે. પંચાયતોમાં ચૂંટાઇને કામ કરવું એ પણ અઘરૂં હોય છે. તેવી આકરી કસોટી સફળતાપૂર્વક પાર કરીને વિજયી બનવા બદલ તેમણે ઉપસ્થિત સરપંચશ્રીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં હતાં. આઝાદીના ૭૦ વર્ષમાં પહેલીવાર પંચાયતોને સીધા નાણાં મળે તેવો નિર્ણય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે. ભારતના ગ્રામ્યજીવન અને દેશવાસીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી એક વિશિષ્ટ સંવેદનાથી જોડાયેલા રહ્યાં છે. તેમના એ વિશ્વાસને સાર્થક કરવાની જવાબદારી આપણા સૌની છે. ચૂંટાયેલા સરપંચશ્રીઓને વિકાસના કાર્યો માટે તાલીમ આપવાનું કામ કેન્દ્ર સરકારના પંચાયત વિભાગ દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર છે ત્યારે એ તકનો સૌને અચૂક લાભ લેવા શ્રી રૂપાલાજીએ સૌને અનુરોધ કર્યો હતો. નોટબંધીના નિર્ણયથી અર્થતંત્ર વેગવંતુ બનશે તેવો શ્રી રૂપાલાજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર પણ એક પછી એક ગ્રામ્ય જીવનલક્ષી, કૃષિ લક્ષી ઝડપી વિકાસના અનેક નિર્ણયો કરી રહી છે. વિજળીના બે કનેકશન હોય, પાકના ટેકાના ભાવો હોય, રઝળતાં પશુઓનો ત્રાસ હોય કે પછી ગ્રામ્ય જીવનને લગતાં અનેક આનુષાંગિક પ્રશ્નો હોય-ગુજરાતની ભાજપા સરકારે વિના વિલંબે સ્વયં પહેલ કરીને પ્રજાલક્ષી અનેકાનેક નિર્ણયો સાંપ્રત સમયમાં કરેલ છે. કોંગ્રેસને આકરા ચાબખા મારતાં શ્રી રૂપાલાજીએ તળપદી શૈલીમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સારો પાક લેવો હોય, તો અમરા-ડમરા જેવું નિંદામણ કાઢવું જરૂરી હોય છે ! સરપંચશ્રીઓના આ અભિવાદન સમારોહ સમાપન દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ ગઇકાલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો, મધ્યમ વર્ગ અને કિશાનો માટે જે રાહતો આપતી જાહેરાતો કરી છે તેને આવકારતો ઠરાવ રજૂ કર્યો હતો, અને આ ઠરાવને સૌએ સમર્થન આપી વધાવી લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપાના મહામંત્રીશ્રી કે. સી. પટેલ અને શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આજના આ અભિવાદન સમારોહમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પુરસોત્તમભાઇ રૂપાલાજી, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રીશ્રી શ્રીમતી આનંદીબેન પટેલ, કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, કેન્દ્રિય રાજ્યમંત્રી તથા પ્રદશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, સહિત ગુજરાત ભાજપા સંગઠનના સૌ અગ્રણીઓ, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. અભિવાદન સમારોહના આ કાર્યક્રમ પહેલાં શ્રી યોગેશભાઇ ગઢવી અને સુશ્રી ઇન્દિરાબેન શ્રીમાળીએ લોકગીતો રજૂ કર્યા હતાં.