Main Menu

ગરીબો માટે સસ્તા આવાસ લોન જાહેર : મોદી

નવી દિલ્હી, તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર રાષ્ટ્રને નામ સંબોધન કરતા દેશવાસીઓ માટે નવા વર્ષમાં શ્રેણીબદ્ધ ભેટની જાહેરાત કરી હતી.મોદીએ ગરીબ લોકો માટે સસ્તી આવાસ લોન, ખેડૂતો અને નાના કારોબારીઓ માટે પણ રાહતની જાહેરાત કરી હતી. આઠમી નવેમ્બરના દિવસે મોદીએ દેશને સંબોધન કરતા અતિ કઠોર નિર્ણય લઈને રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી છેલ્લા ૫૦ દિવસથી સામાન્ય લોકો રોકડ રકમને લઈને પરેશાન હતા. બેંકો અને એટીએમ ઉપર લાંબી લાઈનો જોવા મળી રહી હતી પરંતુ આજે મોદીએ રાષ્ટ્રના નામ સંબોધનમાં શ્રેણીબદ્ધ જાહેરાત કરીને ગરીબ અને મધ્યમ વર્ગને નવી ભેટ આપી હતી. મોદીએ ભ્રષ્ટાચાર અને બ્લેક મની સામે લડવામાં સરકારને ટેકો આપવા લોકોને  ફરી એકવાર અપીલ કરી હતી. સાથે સાથે સમાજના જુદા જુદા વર્ગ માટે નવી સ્કીમનો વરસાદ પણ કરી દીધો હતો. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને નામ ટેલિવિઝન સંબોધનમાં મોદીએ ગરીબ, મધ્યમ  વર્ગ, નાના કારોબારીઓ, ખેડૂતો, સિનિયર સિટીઝનો અને સગર્ભા મહિલાઓ માટે રાહતોની જાહેરાત કરી હતી. સાથે સાથે બેઈમાન લોકો સામે વધુ કઠોર પગલા લેવાની ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે અપરાધી કૃત્ય કરનાર લોકો બચી શકશે નહીં. જે અધિકારીઓ અને બેન્કીંગ કર્મચારીઓ ગંભીર અપરાધ કરી ચુક્યા છે તેમને પણ છોડવામાં આવશે નહીં. મોદીએ આજે શ્રેણીબદ્ધ નવી યોજનાઓ ની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે વરિષ્ઠ નાગરિકોને ૭.૫ લાખ રૂપિયા સુધીની રકમ પર ૧૦ વર્ષ સુધી વાર્ષિક ૮ ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હતી. આ વ્યાજને દર મહિને તેઓ ઉપાડી શકશે. સાથે સાથે ગર્ભવતી મહિલાઓ માટે પણ મોટી જાહેરાત કરી હતી. દેશના ૬૫૦થી વધારે જિલ્લાઓમાં સરકાર સગર્ભા મહિલાઓને નોંધણી, ડિલીવરી, રસીકરણ માટે છ હજાર રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. આ છ હજાર રૂપિયા સગર્ભા મહિલાના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં આ યોજના દેશભરના ૬૫૦ જિલ્લાઓમાં લાગુ થશે. દેશમાં કુલ ૬૮૨ જિલ્લાઓ છે. મોદીએ બેન્કીંગ કર્મચારીઓને પણ ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં લઈને પોતાની યોજના બનાવવા માટે તમામને અપીલ કરી હતી. સાથે સાથે વરિષ્ઠ નાગરિકો માટે પણ રકમની જાહેરાત કરી હતી. નાના કારોબારીઓની ક્રેડિટ ગેરન્ટીને વધારીને સરકારે ૧ કરોડથી બે કરોડ રૂપિયા કરી દેવાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે મોટી જાહેરાત કરતા મોદીએ ખરીફ અને રવિની વાવણી માટે લોન લેનાર ખેડૂતોના ૬૦ દિવસનું વ્યાજ સરકાર દ્વારા ઉપાડવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાની પણ જાહેરાત કરી હતી. સસ્તા આવાસની મોટી યોજનાની જાહેરાત કરતા તેમણે ગ્રામીણ વિસ્તારોમાં પોતાના આવાસના સમારકામ માટે બે લાખ રૂપિયાની લોન પર વ્યાજમાં ૩ ટકા છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પીએમ આવાસ યોજના હેઠળ શહેરોમાં બનનાર આ વાસ ઉપર નવ લાખની લોન ઉપર વ્યાજમાં ચાર ટકા અને ૧૨ લાખ પર ત્રણ ટકા છૂટ આપવાની જાહેરાત કરી હતી. મોદીએ આજે તેમના સંબોધનમાં બેઈમાન લોકો સામે પણ ફરી પ્રહારો કર્યા હતા. છેલ્લી સિઝન દરમિયાન વાવણીમાં છ ટકાનો વધારો થયો હોવાની વાત કરતા મોદીએ જાહેરાત કરી હતી કે સરકાર ખેડૂતોની મદદ કરવા માટે કટિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ત્રણ કરોડ ખેડૂત ક્રેડિટ કાર્ડને આગામી ત્રણ મહિનામાં રૂપે કાર્ડમાં બદલી દેવામાં આવશે. આનાથી ખેડૂતો કોઈપણ સમયે ખરીદી અને વેચાણની પ્રક્રિયાને કરી શકશે. તેમણે સગર્ભા મહિલાઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે સગર્ભા માતૃત્વ મૃત્યુદર ઘટે તે માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.






Comments are Closed