Main Menu

આજે ખાઓ, પીઓ અને મોજ કરો એ જીવન નથીઃ પં. પદ્મદર્શન વિ.મ.સા.

 

માનવ અને પશુમાં એ ભેદ છે કે માનવ વિચારી શકે છે. ભગવાનને ભજી શકે છે. આત્માનું કલ્યાણ કરી શકે છે. આજે ખાઓ, પીઓ અને મોજ કરો એ જીવન નથી. આ જીવન પરમાત્મ ભક્તિ માટે આપ્યું છે માટે નવા વર્ષમાં ભક્તિનો સંકલ્પ કરો. પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે આ શબ્દો ત્રિકમનગર સંઘમાં કહ્યાં હતા.

ત્રિકમનગર જૈન સંઘમાં શુક્રવારે કારતક સુદ પૂર્ણિમા નિમિત્તે તીર્થરાજ શેત્રુંજયની ભાવયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે શ્રાવકોને બોધ આપતા કહ્યું કે પુણ્ય કરતા પ્રભાવની તાકાત પ્રચંડ છે. અન્ય સ્થાનોમાં જે પુરૂષાર્થથી મળે તે શેત્રુંજયમાં પવિત્ર ધરાના પ્રભાવને કારણે મળે છે. વિશ્વની તમામ આજાયબીઓમાં શિરમોર સિદ્ધાંચલ તીર્થરાજ છે. એના એક એક કાંકરે અનંત આત્માઓ મુક્તિપદને પામ્યા છે. આજના દિવસે ભગવાન આદિનાથના પ્રપૌત્રો આ તીર્થરાજમાં 10 કરોડ આત્માઓ સાથે નિર્વાણ પામ્યા હતા. આજથી હજારો આત્માઓ આઠ મહિના સુધી આ તીર્થરાજની સ્પર્શના, વંદન અને પૂજા કરશે. અધમમાં અધમ માનવી પણ આ તીર્થમાં મુક્તિપદને પામી શકે છે. આ બધુ પશુ નથી કરી શકતો. આજનો માનવી પણ હવે પશુના માર્ગે મોજ કરવા જઈ રહ્યો છે. આપણે માનવભવને પામ્યા તો કલ્યાણ કરો. પૃથ્વી પર મહાવિદેહ ક્ષેત્રમાં જે નથી મળ્યું તે ભરતક્ષેત્રમાં મળ્યું છે. કરોડપતિ થવું સહેલું છે, પરંતુ તીર્થાધિરાજ શેત્રુંજયની પ્રાપ્તિ થવી પ્રચંડ પુણ્યને આધીન છે.

 


error: Content is protected !!