Main Menu

અરૂણાચલમાં ભાજપની સરકાર બની

ઇટાનગર,તા. ૩૧
અરૂણાચલપ્રદેશમાં રાજકીય ગરમી વચ્ચે પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલ પ્રદેશના (પીપીએ)ના ૩૨ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. પીપીએ દ્વારા ગુરૂવારના દિવસે પ્રદેશના મુખ્યમંત્રી પેમાખાંડુને પાર્ટી વિરોધી  ગતિવિધિના આરોપમાં ખાંડુ સહિત છ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. ભાજપના પાસે હાલમાં ૧૧ ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં આ ધારાસભ્યો સામેલ થવાથી તથા એક અપક્ષ ધારાસભ્યના સમર્થનથી રાજ્યની ૬૦ સભ્યોની વિધાનસભામાં પાર્ટીના કુલ ૪૪ ધારાસભ્યો થઈ ગયા છે. જે બહુમતી આંકડાથી ખૂબ ઉપર છે. ભારતના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે પણ ટ્‌વીટ કરીને અરૂણાચલપ્રદેશમાં હવે ભાજપની સરકાર બનવાની જાહેરાત કરી દીધી છે. માધવે ખાંડુના ભાજપમાં સામેલ થવાનું સ્વાગત કર્યું છે. બીજી બાજુ પીપીએના હવે ૬૦ સભ્યોની વિધાનસભામાં માત્ર ૧૦ સભ્યો બચી ગયા છે. પીપીએ દ્વારા પબ્લિક હેલ્થ એન્જિનિયરીંગ પ્રધાન તકમ પારિયોને મુખ્યમંત્રી પદ માટે પોતાની પસંદગીના ઉમેદવાર તરીકે રજુ કર્યા હતા. બીજી બાજુ ભાજપે શુક્રવારના દિવસે કહ્યું હતું કે તે પાર્ટીના મુખ્યમંત્રી પદ પર માત્ર પેમાખાંડુને જોવા ઉત્સુક છે. ખાંડુએ એક પત્રકાર પરિષદ યોજીને પીપીએ પર ધારાસભ્યોની સાથે વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ ર્યો હતો. ખાંડુએ કહ્યું હતું કે પાર્ટીના બે તૃતિયાંશ ધારાસભ્યો દ્વારા ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે રાજકીય ઉતાર ચડાવના કારણે રાજ્યમાં વિકાસની કામગીરી હાથ ધરી શકાઈ નથી. હવે રાજ્યમાં ભાજપની સરકાર બની ગઈ છે. જેથી વિકાસની ગતિવિધિ અતિ ઝડપથી આગળ વધશે. પેમાખાંડુ આ વર્ષે જુલાઈમાં અરૂણાચલપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. સપ્ટેમ્બરમાં ૪૨ ધારાસભ્યોની સાથે કોંગ્રેસ છોડીને પીપીએ સાથે હાથ મિલાવ્યા હતા. તે વખતે ૬૦ સભ્યોના ગૃહમાં પીપીએની પાસે ૪૩ સભ્યો હતા.