Main Menu

ભૂતપૂર્વ ગૃહમંત્રી પંડયાની હત્યા વણઝારાએ કરાવી હતી

ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમ્યાન મુંબઈ કોર્ટ સમક્ષ જુબાની આપવા આવેલા રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્‌યાની હત્યા સોપારી ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી.વણઝારા દ્વારા સોહરાબુદ્દીન શેખને આપવામાં આવી હતી. આ હત્યા માટે સોહરાબુદ્દીને હૈદરાબાદના ક્લીમુદ્દીન શાહિદને સાથે રાખી હરેન પંડ્‌યાની હત્યા કરી હતી. આઝમખાનની આ જુબાની અને આક્ષેપને લઇ જારદાર ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને હરેન પંડયા હત્યા કેસને લઇ ગરમાવો આવી ગયો છે. સોહરાબુદ્દીન હત્યા કેસના સાક્ષી અને રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાને પોતાની જુબાની દરમ્યાન ચોંકાવનારા ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, તેમની ગેંગ દ્વારા હમીદલાલાની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ તમામ ફરાર થઇ ગયા હતા. જા કે, પોલીસે મોડાસાથી તેમની ધરપકડ કરી હતી. તે જેલમાં હતો ત્યારે જાણકારી મળી કે ગુજરાત અને રાજસ્થાન પોલીસે સૌરાબુદ્દીન કાઉન્ટર કર્યું છે. થોડા દિવસ પછી જેલમાં તુલસીરામ પ્રજાપતિ મળ્યો હતો. તુલસી મારી સામે ખૂબ રડ્‌યો હતો તેણે કહ્યું કે, વણઝારાએ દગો કર્યો છે રાજકીય દબાણના નામે તેમણે સાંગલી જતા બસમાંથી ઉતારી લીધા હતા, ત્યારબાદ સોહરાબુદ્દીનની હત્યા કરી નાખી હતી. સોહરાબુદ્દીને મને અગાઉ જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્‌યાની હત્યાનું કામ તેને વણઝારા દ્વારા મળ્યું હતું, તેણે પાર પાડ્‌યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ સીબીઆઇની ચાર્જશીટ પ્રમાણે સોહરાબુદ્દીનની હત્યા રાજસ્થાન માર્બલ લોબીની સૂચના પ્રમાણે થઈ હતી. જા કે, હવે આઝમખાનની આ જુબાનીને લઇ સીબીઆઈનો દાવો ખોટો પડ્‌યો છે અને રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, હરેન પંડયા હત્યા કેસમાં સામેલ તમામ આરોપીઓને હાઈકોર્ટે છોડી મૂક્યા હતા. આ મામલે સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કોઈ અપીલ કરવામાં આવી નહોતી.
તેના કરતાં પણ મહત્વની બાબત એ છે કે, હરેન પડંયાના પત્ની જાગૃતિ પંડ્‌યાએ પણ ભારે વિરોધ અને વિવાદ પછી ભાજપમાં જોડાવાનો નિર્ણય હતો. હાલમાં તે ભાજપ સરકારના એક નિગમમાં ચેરમેન છે. આઝમખાનની આજની જુબાનીને લઇ હવે જારદાર ખળભળાટ મચી ગયો છે. આગામી દિવસોમાં આ મામલે હવે કોઇ નવા ડેવલપમેન્ટ કે માહિતી સામે આવે તેવી પણ શકયતાઓ સેવાઇ રહી છે.