Main Menu

ગઢડા તાલુકાના વિવિધ ગામ ખાતે એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા યાત્રામાં આજે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની સાથે મોટી સંખ્યામાં બાઈક સવારો પણ જોડાયા હતા. પીપળીયા ગામથી શરૂ થયેલી આ એકતા યાત્રાનું રૂટમાં આવતા, સુરકા, નિંગાળા, નાના ઝીંઝાવદર, ઉગામેડી, ગઢડા અને માંડવધાર સહિતના ગામો ખાતે ફરી હતી. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, એકતા અને અખંડીતતાનો સંદેશ લઈ ગુજરાતના ગામડે ગામડે એકતા યાત્રા ફરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના વિચારને જીવનમાં ઉતારી પ્રત્યેક વ્યક્તિને એક બનવા અનુરોધ કરતાં મંત્રીએ ઉમેર્યું હતુ કે, એકતા થકી જ ગામનો વિકાસ ઝડપી બનશે.

તેમણે જણાવ્યું હતુ કે, આપણા દેશને અખંડ રાખવા સરદાર વલ્લભભાઈ પટેલનું આગવું યોગદાન રહ્યું છે. તેમના એકતાના વિચારો જન – જન સુધી પહોંચે તે જરૂરી છે. અખંડ ભારતની આગવી વૈશ્વીક ઓળખ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ એટલે એક ભારત – શ્રેષ્ઠ ભારતની પ્રતીતિ.

મંત્રીએ કહયું હતુ કે,સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સ્થળની પાસે સરદાર વલ્લભભાઈ પટેલની જીવન ગાથાને આલેખતા મ્યુઝિયમના નિર્માણની સાથે દેશ વિદેશના પર્યટકો માટે અનેકવિધ આકર્ષક સ્થળો પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે. જેના પરિણામે આ વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે અગ્રણી સુરેશભાઈ ગોધાણીએ પ્રસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમ બાદ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ એકતાના શપથ લીધા હતા. ત્યારબાદ મંત્રીએ એકતા યાત્રાની ઝંડી ફરકાવી એકતા રથને પ્રસ્થાન કરાવ્યું હતુ.

આ એકતા યાત્રાના સબંધિત ગામમાં આગમન પ્રસંગે એકતા રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન તથા પૂજા-આરતી વગેરે કરવામાં આવી હતી. આ પ્રસંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ શો – સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દેશની એકતા અખંડિતતાના મહાન શિલ્પી અને લોખંડી પુરૂષ એવા  સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનથી લોકોને માહિતગાર કરવા તેમના જીવન – કાર્યોને આલેખતા સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર, અગ્રણીઓ સર્વ છનાભાઈ કેરાલીયા, મનહરભાઈ માતરીયા, સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.



(Next News) »