Main Menu

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાયો જનસંપર્ક કાર્યક્રમ

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભાવનગર શહેરના વિરમેઘનગરમાં વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલતી યોજનાઓ અંગે જાણકારી પૂરી પાડવાની સાથે સ્વચ્છતા સંદર્ભે લોક જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર મહાનગર પાલીકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જે.એમ.સોમપુરા, ચીફ સેનટરી ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. રોહીત, ચીફ સેનટરી ઇન્સપેક્ટર શ્રી જીતુભાઇ ગરચર, સામાજીક કાર્યકર્તા શ્રી જીવણભાઇ પરમાર, સામાજીક આગેવાન  શ્રી ભરતભાઇ, સ્થાનિક આગેવાન શ્રી ચંદ્રકાંતભાઇ મકવાણાની  ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમની શરુઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય વિધી કરી કરવામાં આવી હતી.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગરના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનોના સ્વાગતની સાથે કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2014 થી દેશભરમાં શરુ થયેલ સ્વચ્છ ભારત અભિયાન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે અભિયાનની સફળતા માટે સ્વચ્છતા સંદર્ભે લોકોની જાગરુતતા અને સ્વચ્છતા જાળવવા સરકારી તંત્ર દ્વારા કરાતી કામગીરીમાં લોકોનો સહયોગ અનિવાર્ય છે. સ્વચ્છતાની શરુઆત સ્વયંથી કરી પોતાની શેરી અને શહેરને સ્વચ્છ રાખવાની અપીલ કરવાની સાથે સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલી સરકારની વિભિન્ન યોજનાઓની માહિતી પણ આપી હતી.

મહાનગર પાલીકાના નાયબ કાર્યપાલક ઇજનેર જે.એમ.સોમપુર એ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન સાથે સંકળાયેલ યોજનાઓ અને કામગીરીની માહિતિ આપી હતી. મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા કરાતી કામગીરીની માહિતિ આપતા સ્થાનિક રહીશોને ભીના સૂકા કચરાને અલગ રાખવા અપીલ કરી હતી. તેમજ મહાનગર પાલિકા દ્વારા આ વિભાજીત કચરાનો જુદીજુદી રીતે નિકાલ થતો હોવાની તેમજ આ કચરાના યોગ્ય વ્યવસ્થાપન દ્વારા કચરામાંથી ઉર્જા તેમજ ખાતરનું ઉત્પાદન થતું હોવાની જાણકારી પૂરી પાડી હતી.

ગીત અને નાટ્ય વિભાગના અમદાવાદના પૂર્વી સેવા ટ્રસ્ટના કલાકારોએ હળવી શૈલીમાં સ્વચ્છતાના સંદેશાઓ આપતા નાટકની પ્રસ્તુતી કરી હતી. સ્થાનિક રહીશો સાથે સ્વચ્છતાના વિષયે પ્રશ્નોત્તરી અને ચર્ચા સ્પર્ધાનુ આયોજન કરાયું હતું. જેમા વિજેતા થયેલ રહીશોને ફિલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતાં. પ્લાસ્ટીકના ઉપયોગને બંધ કરી પર્યાવરણ બચાવવાની અપીલ સાથે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને કાપડની થેલીનું વિતરણ કરવામા આવ્યું હતું. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સૌ કોઇએ સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઇ ગંદકી કરીશું નહીં અને ગંદકી કરવા દઇશુ નહિ તેવા નિર્ધાર સાથે સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા.



« (Previous News)