Main Menu

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર સેવાનો રાજ્યના ર૬ જિલ્લામાં પ્રારંભ

 

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી કરાવ્યો

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર સેવાનો રાજ્યના ર૬ જિલ્લામાં પ્રારંભ

-: નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ :-

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર જીવ માત્રની ચિંતા કરીને સંવેદનશીલતાથી કાર્યરત છે.

બધાને જીવવાનું અભય વચન મળે એ જવાબદારી સ્વીકારીને આ સરકાર સંપુર્ણ સંવેદના સાથે વ્યક્તિથી સમષ્ટિની ચિંતા કરનારી ઋજુ હ્રદયી સરકાર છે. જાડી ચામડીની સંવેદનાહીન સરકાર નથી, તેમ પણ તેમણે ઉમેર્યુ છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મૂંગા પશુજીવોને ઇજા કે બિમારીમાં તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવતી ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬ર’નો રાજ્યના ર૬ જિલ્લામાં ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મંત્રીઓ સર્વશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજીભાઇ બાવળિયા અને બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આ એમ્બ્યુલન્સ વાનોને પ્રસ્થાન સંકેત આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે જીવ માત્ર પ્રત્યે કરૂણા દયા ભાવ સાથે ‘જીવો જીવવા દો અને જીવાડો’ના સંવેદના ભાવથી ઉત્તરાયણ પર્વે ૧૦ થી ર૦ જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી ‘કરૂણા અભિયાન’ શરૂ કરી પક્ષીઓને પતંગ દોરાથી થતી ઇજામાં સારવાર આપી સુરક્ષા આપી છે. અગાઉ રપ હજાર જેટલા પક્ષીઓ પતંગ દોરાથી ઇજા પામતા તે ઘટીને ૪ હજાર જેટલા થયા છે. પક્ષીઓ પશુઓ માટે આઇ.સી.યુ. જેવી અદ્યતન સારવાર સુવિધા આ સરકારે શરૂ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ સાફ શબ્દોમાં જણાવ્યું કે આપણી તો સંસ્કૃતિ જ ગાયને માતા માનનારી અને આત્મામાં પરમાત્મા જોનારી સંસ્કૃતિ છે એટલે પશુ રક્ષાથી પશુધન સુરક્ષિત બને, પશુ ધનનું સંવર્ધન થાય અને તે થકી શ્વેત ક્રાંતિ આવે તે માટે સરકાર આગળ વધી રહી છે.  શ્રી વિજયભાઇએ કહ્યું કે આ સરકાર પારદર્શી ગતિશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકાર છે, જે કહેવું તે કરવું ના ધ્યેય સાથે કાર્યરત છે.

આ જ સંવેદનાથી જેમ માનવ જીવોને અકસ્માત જેવા આપત્તકાલમાં મદદ માટે ૧૦૮ જી.વી.કે., ઇ.એમ.આર.આઇ. એમ્બ્યુલન્સ શરૂ કરી છે તે જ રીતે અબોલ પશુજીવો માટે કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬ર, ર૬ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સહ જણાવ્યું કે, અબોલ પશુ જીવોની આવી આરોગ્ય સારવાર સુવિધામાં કરૂણા એમ્બ્યુલન્સથી ગુજરાતે લીડ લીધી છે અને એક નવા અધ્યાયની શરૂઆત ગુજરાતે કરી છે.

તેમણે ગરીબો પ્રત્યેની ભારોભાર સંવેદનાથી સરકારે લગ્ન જેવા પ્રસંગમાં ખાનગી વાહનમાં જાન લઇ જતા અકસ્માતમાં જીવ ગુમાવવા ન પડે, અવસર માતમમાં ન પલટાઇ જાય તે માટે ૧ર૦૦ રૂપિયાના રાહત દરે એસ.ટી.બસ લગ્ન પ્રસંગે આપવાની તેમજ માર્ગ અકસ્માતમાં ઇજા પામનારી કોઇ પણ વ્યક્તિને ગોલ્ડન અવરમાં તાત્કાલિક સારવાર તુરત જ મળે તે માટે સરકાર તરફથી પ૦ હજારની સહાય આપવાની સંવેદનાસ્પર્શી યોજનાની વિશદ ભૂમિકા આપી હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની આ સરકારે સંવેદનશીલતા દાખવીને લાખો અબોલ પશુજીવો પ્રત્યે કરૂણા ભાવ સાથે ૧૯૬ર કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરી છે તેમ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ કે, માનવીઓને અકસ્માતમાં તત્કાલ સારવાર માટે ૧૦૮, મહિલાઓ-બહેનોને મુશ્કેલીના સમયે અભયમ્ હેલ્પલાઇન જેમ હવે પશુઓની પણ ઇજા-માંદગીમાં દરકાર લઇને આ કરૂણા એમ્બ્યુલન્સ-૧૯૬ર સરકારે શરૂ કરાવી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અગાઉ તો કોઇ પશુ બિમાર હોય, ઇજા પામેલું  હોય અને રસ્તા પર કણસતું હોય તો કોઇ જીવદયા પ્રેમી તેની સારવારની વ્યવસ્થા કરતા પણ હવે સરકાર સ્વયં આવા મૂંગા જીવોની વ્હારે આવી છે.

ગાંધીજીના ગુજરાતમાં જીવ માત્ર પ્રત્યે કરૂણા, દયાનો શાશ્વત સંસ્કૃતિ ભાવ સદીઓથી ચાલ્યો આવે છે તેને હવે સરકારનું પ્રેરણા બળ મળતું થયું છે તેનો આનંદ તેમણે વ્યકત કર્યો હતો.

પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, જેનું કોઇ નથી એવા અબોલ પશુ-પક્ષીઓની સારસંભાળની ચિંતા આ સંવેદનશીલ સરકારે કરી છે.

રાજ્યના આર્થિક સામાજીક વિકાસમાં પશુપાલન અને ડેરી-દૂધ ઊદ્યોગોનું મહત્વનું પ્રદાન છે ત્યારે પશુજીવોની દેખભાળ અને બિમારીમાં સારવાર આપી પશુપાલનને સમૃદ્ધ બનાવવાની નેમ છે.

તેમણે રાજ્યમાં વ્યક્તિ દિઠ દૂધ ઉત્પાદન અને વપરાશમાં તેમજ શુદ્ધ ઓલાદ જાળવણી, પશુધન સંવર્ધન અને રોગચાળા નિયંત્રણમાં ગુજરાતની સિદ્ધિઓની રાષ્ટ્રીયસ્તરે પણ સરાહના થઇ છે તેની છણાવટ કરી હતી.

‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર’ ટોલ ફ્રી નંબર પશુજીવોની સારવાર-સુશ્રુષાની જીવન સંજીવની બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ પ્રતિક રૂપે આ ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર’ની ચાવી સંબંધિત જિલ્લાના તબીબ અને પાયલટને અર્પણ કરી હતી.

પશુપાલન સચિવ શ્રી મહમદ શાહિદે સૌનું સ્વાગત તથા નિયામક શ્રી કાછીયા પટેલે આભાર વ્યકત કર્યો હતા.

આ અવસરે કૃષિ-પશુપાલનના અધિક મુખ્યસચિવ શ્રી સંજય પ્રસાદ, જીવદયા પ્રેમીઓ, ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.