Main Menu

ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક

સમ્યક-સમતોલ વિકાસ માટે અંતરિયાળ-છેવાડાના આદિજાતિ ગામોમાં શિક્ષણ-ટ્રાન્સપોર્ટ-રસ્તા જેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા વૃદ્ધિ માટે સંબંધિત વિભાગો વિશેષ કાળજી દાખવે:- મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક અનુરોધ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અંતરિયાળ-છેવાડાના ગામોના સમ્યક અને સમતોલ વિકાસ માટે પેસા એકટ, જમીન સનદો, સિંચાઇ, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ, રસ્તા જેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓની વૃદ્ધિ માટે સંબંધિત વિભાગો વિશેષ કાળજી દાખવે તેવો પ્રેરક અનુરોધ કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે છેવાડાના માનવી અને વિસ્તારોને પણ વિકાસની મુખ્ય હરોળમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ સલાહકાર પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પણ આરોગ્ય શિક્ષણની સુવિધા આદિજાતિ બાળકોને ઘર આંગણે મળે તે માટે મેડીકલ કોલેજીસ શરૂ કરી છે. તબીબો પણ ત્યાં સ્થાનિક ઉપલબ્ધ બનાવ્યા છે. આરોગ્ય સેવાઓની જેમજ શિક્ષણની અન્ય સુવિધાઓનો વ્યાપ વધુ વિસ્તારવો છે.

મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારોમાં મુખ્યત્વે સિંચાઇ માટે પાણી, વીજળી, ફોરેસ્ટ એકટ, પંચાયતના નિયમો વગેરેને કારણે છેવાડાના ગામો-વંચિતોને જે નાની-મોટી સમસ્યાઓ હોય તેનું બધા જ સંબંધિત વિભાગો સાથે મળીને ઉકેલ-નિવારણ લાવે તે માટે માર્ગદર્શન આપ્યુ હતું.

તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારે દેશના જે ૧૧૭ જિલ્લાઓને એસ્પીરેશનલ ડ્રીસ્ટ્રીકટ જાહેર કર્યા છે તેમાં ગુજરાતના બે આદિજાતિ જિલ્લા નર્મદા અને દાહોદનો સમાવેશ થયેલો છે.

દાહોદે પ્રથમ ક્રમ મેળવ્યો છે જ્યારે નર્મદા ૧૭માંથી ૯માં ક્રમે આવી ગયુ છે ત્યારે હજુ વધુ આદિજાતિ વિકાસલક્ષી કાર્યોને વેગ આપીને નર્મદાને પણ આગળ લાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.

આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ રાજ્ય સરકારની આદિજાતિ કલ્યાણ યોજનાઓની જિલ્લાવાર પ્રગતિની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં રાજ્ય મંત્રીઓ સર્વશ્રી રમણભાઇ પાટકર, બચુભાઇ ખાબડ, આદિજાતિ વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તેમજ વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ જોડાયા હતા.