Main Menu

પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો

કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ આજે પત્રકાર પરિષદ યોજી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર અઢી રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે ગુજરાત સરકારે પણ એક્સાઇઝ ડ્યુટીમાં અઢી રૂપિયાનો ઘટાડો કરતા રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડો આજે મધરાતથી અમલી બનશે.છેલ્લા ઘણા દિવસથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ  ઓઇલના ભાવ વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવ પ્રતિલિટર 80 રૂપિયાને વટાવી જતા ભાવ વધારા મુદ્દે વિરોધ પક્ષ અને લોકો દ્વારા ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલી આજે પત્રકાર પરિષદ સંબોધિત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં દોઢ રૂપિયાનો ઘટાડો કરશે અને એવી જ રીતે ઓઇલ કંપનીઓ પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કરશે. જેથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર અઢી રૂપિયાનો ઘટાડો થશે. અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ અપીલ કરી છે કે રાજ્યો પણ પેટ્રોલ ને ડિઝલના ભાવ પર તેમની એક્સાઇઝ ડ્યુટીમાં અઢી રૂપિયાનો ઘટાડો કરે.
કેન્દ્રની અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કર્યું હતું કે કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ ભાવ ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકાર પણ પેટ્રોલ ડિઝલના ભાવમાં અઢી રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી રહી છે. જેથી ગુજરાતમાં હવે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે.