Main Menu

પાલીતાણા એસ.ટી. બસ સ્ટેન્ડથી લઈ સૌરાષ્ટ્ર ટોકીઝ સુધીનું રોડ પર વાહન પાર્કિંગ ટ્રાફિક ક્યારે હટાવાશે…???

(પ્રતિનિધિ દ્વારા) ચેલેન્જર, પાલીતાણા : પાલીતાણા બસ સ્ટેન્ડથી લઈને સૌરાષ્ટ્ર ટોકીઝ સુધી બંને સાઈડ વાહન પાર્કિંગ કરીને રસ્તો એકદમ સાકડો કરી દેવામાં આવે છે. જ્યાથી તમામ મોટા વાહનો પસાર થાય છે. આ સિવાય શહેરનો મુખ્ય માર્ગ છે. તે માર્ગ ઉપર આવેલા શોપીંગ સેન્ટરોમાં વાહન પાર્કિંગ વિશાળ જગ્યાઓ હોવા છતાં આળસ અથવા કાયદાનું પાલન ન કરતા રાહદારીઓ અને આવતા યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્તા ઉપરથી કોઈ વૃદ્ધ કે બાળકોને નીકળવું મહામુશ્કેલ બને છે.
એસ.ટી.બસ સ્ટેન્ડની સામે આવેલ મહાવીર શોપીંગ સેન્ટરની પાછળ  શોપીંગ સેન્ટરના માલિકીનું  ગ્રાઉન્ડ ખુલ્લું પડ્યું છે તે જગ્યામાં તમામ દુકાનદારોના વાહનોની પાર્કિંગ કરી શકાય તેમ છે છતાં ગમે તે કારણોસર શોપીંગ સેન્ટરની દુકાનોની સામે જ વાહનો પાર્કિંગ કરવામાં આવે છે. તેનાથી આગળ પંચવટી શોપીંગ સેન્ટરમાં પણ પાર્કિંગ વ્યવસ્થા છે તેની સામે આવેલ નગરપાલીકાની માલિકીનું સરદાર શોપીંગ સેન્ટરમાં સૌથી મોટું પાર્કિંગ મેદાન છે તે પાર્કિંગમાં પાછળથી રસ્તો હોવાથી દુકાનદારો કોઈ પાર્કિંગ કરવા જતા ન હતા. તેથી નગરપાલિકાએ હમણાં જ હજારો રૂપિયાના ખર્ચે સામેથી જ સીધુ પાર્કિંગમાં વાહન મુકવાની વ્યવસ્થા કરી આપી છે છતાં દુકાનદારો અને આવનારા લોકો રોડ ઉપર જ પોતાના વાહનો પાર્કિંગ કરે છે આ ઉપરાંત સરદાર શોપીંગની સામે પટેલ બોર્ડિંગ અને પટેલ હાઉસમાં પણ વાહન પાર્કિંગ માટેની વિશાળ પાર્કિંગ જગ્યાઓ છે છતાં બંને શોપીંગના દુકાનદારો તેમજ તેને ત્યાં આવતા લોકો પણ રોડ ઉપર જ વાહન પાર્કિંગ કરી ગમે ત્યાં ગપાટા મારતા હોય અથવા તો ગમે ત્યાં પોતાના કામે ચાલ્યા જાય છે આ ઉપરાંત કપોળવાડી અને સૌરાષ્ટ્ર ટોકીઝ શોપીંગમાં પણ પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં બંને શોપીંગના વેપારીઓ દ્વારા રોડ ઉપર જ વાહન પાર્કિંગ કરવામાં આવે છે.
આ ઉપરોક્ત શોપીંગ સેન્ટરોની સામે વાહન પાર્કિંગને કારણે ઘણી વખત એસ.ટી.ની બસો, લકઝરી કે ટ્રકોને દસ-પંદર મિનીટથી પણ વધારે પોતાનું વાહન બ્રેક મારી રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ઉભો રહેવોનો વારો આવે છે અને આના કારણે તેની પાછળ પણ ટ્રાફિક જામ થઈ જાય છે. આ રોડ ઉપર આવેલા શોપીંગ સેન્ટરના માલિકો અને દુકાનદારો પાલીતાણાની ખ્યાતનામ હસ્તીઓ કે રાજકીય ઓથ ધરાવવાના કારણે આ સાઈડ ઉપર ટ્રાફિક પોલીસ ઓછું ધ્યાન આપી રહી હોવાનું લોકોમાં ચર્ચાઈ છે.  જો ટ્રાફિક પોલીસ ફક્ત આ એસ.ટી.રોડ પર જ કાયદાનું પાલન કરાવે તો તેમને ભાગે આવતા દંડની રકમ અને વાહન ડિટેઈનની કામગીરીનો ટાર્ગેટ આપોઆપ કોઈપણ મહેનત વગર પુરો થઈ જાય તેમ છે છતાં તે લોકો બીજે મહેનત કરી રહ્યા છે.






error: Content is protected !!