Main Menu

શાહરૂખ ખાન કેન્સર સામે લડનાર બાળકોને મળ્યો

જેના નામ માત્રથી ભલભલા ધૂ્રજી ઊઠે છે એવા ભયંકર રોગ કેન્સર સામે લડીને ઊગરી ગયેલાં બાળકોને તાજેતરમાં સુપર સ્ટાર શાહરુખ ખાને પોતાના મન્નત બંગલામાં નોતર્યા હતાં અને ચા પાણી પાયાં હતાં.
આ બાળકો વર્લ્ડ ચિલ્ડ્રીન વીનર્સ ગેમ્સ 2018માં સહભાગી થવા મોસ્કો જઇ રહ્યાં હતાં ત્યારે શાહરુખ ખાને એમનો ઉત્સાહ વધારવા પોતાના બંગલામાં આ ચા પાર્ટી રાખી હતી.
શાહરુખના પિતા પણ કેન્સરનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. એમની સ્મૃતિમાં સ્થાપેલા મીર ફાઉન્ડેશન અને શાહરુખની માલિકીની ક્રિકેટ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડીઓ પણ આ સમયે હાજર હતાં અને દરેક બાળકને ઠંડી તેમજ હિમવર્ષા સામે રક્ષણ આપે એવાં જર્સી તથા બીજાં સાધનો ભેટ આપ્યાં હતાં.
પાછળથી મિડિયા સાથે બોલતાં શાહરુખે કહ્યું કે આ દરેક બાળક વિજેતા છે. પોતાની સામે ઊભેલા રાક્ષસી રોગ સામે લડીને એમણે વિજય મેળવ્યો છે. મને એમની પાસેથી ઘણું જાણવા મળ્યું. આ દરેક બાળક ચમકતું સૂર્યકિરણ છે. હું એમને અંતઃકરણની શુભેચ્છા આપું છું કે જે સ્પર્ધામાં સહભાગી થવા જાય છે ત્યાં પણ વિજેતા થઇને આવે.
મોસ્કોમાં આ સ્પર્ધા આજથી એટલે કે બીજી ઑગષ્ટથી શરૃ થઇ છે અને પાંચ દિવસ ચાલવાની છે. દર વરસે તાતા હૉસ્પિટલ અને ઇમ્પેક્ટ ફાઉન્ડેશન આ રીતે કેન્સર સામે ઊગરી ગયેલાં બાળકોને આ સ્પર્ધામાં મોકલે છે.