Main Menu

ઇઝરાયેલના ભારતીય રાજદૂત મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે

  • ઇઝરાયેલ ગુજરાત પ્રતિનિધિ મંડળને આવકારવા ઉત્સુક એગ્રીકલ્ચર-વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ-ડી સેલીનેશન જેવા ક્ષેત્રોમાં પરસ્પર
  • સહયોગની તકો વિષે આ પ્રવાસમાં વિચારણાની સંભાવનાઓઃ મુખ્યમંત્રીશ્રી
૨૦૦૬માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇઝરાયેલ મુલાકાત બાદ : શ્રી વિજયભાઇ રૂપાણીનો પ્રથમ ઇઝરાયેલ પ્રવાસ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઇઝરાયેલના છ દિવસીય પ્રવાસે જવા નવી દિલ્હી હવાઇ મથકે પહોચ્યા ત્યારે ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત ડેનિયલ કાર્મોને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

શ્રીયુત ડેનિયલ કાર્મોને મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં કહ્યુ કે ઇઝરાયેલ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળને આવકારવા ઉત્સુક છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઇઝરાઇલ રાજદૂતને જણાવ્યું કે ગુજરાત જળ વ્યવસ્થાપન અને કૃષિ ક્ષેત્રમાં ઈઝરાઇલની ટેકનોલોજીના ઇનોવેશનના લાભ ગુજરાતના ખેડૂતો અને ખેતીવાડી ક્ષેત્રને મળે તે દિશામાં હકારાત્મક રીતે આગળ વધવા ઇચ્છુક છે.

મુખ્યમંત્રીએ શ્રીયુત ડેનિયલ કાર્મોન સાથેની આ સૌજન્ય મુલાકાતમાં એમ પણ કહ્યું કે, ગુજરાત અને ઈઝરાયલ વચ્ચે કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસીંગમાં વેલ્યુ એડીશનની સંભાવનાઓ અને રોકાણોના ફોલોઅપ માટે એક સંયુક્ત વર્કીંગ ગ્રુપ પણ રચી શકાય.

મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળ ઇઝરાયેલના મંત્રીઓ, પદાધિકારીઓ તથા કૃષિ, જળ વ્યવસ્થાપન, ઇનોવેશન અને ઇન્ટરનલ સિક્યુરીટી તજજ્ઞો સાથે બેઠકો મૂલાકાતો કરશે તે ઇઝરાયેલ-ગુજરાત બન્ને માટે ફળદાયી રહેશે તેમ પણ શ્રીયુત ડેનિયલ કાર્મોને ઉમેર્યુ હતું.

ઇઝરાયેલી રાજદૂતે કહ્યુ કે ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ૨૦૧૭ની ઇઝરાયેલ યાત્રાના પ્રતિસાદ રૂપે ઇઝરાયેલી વડાપ્રધાનશ્રી બેન્જામિન નેતાન્યાહુની ભારત-ગુજરાત મૂલાકાતના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની આ યાત્રા વધુ ફળદાયી બનશે.

વર્ષ ૨૦૦૬માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઇઝરાયેલ યાત્રા બાદ શ્રી વિજયભાઇ રુપાણીની આ પ્રથમ ઇઝરાયેલ યાત્રા છે.

શ્રીયુત ડેનિયલ કાર્મોને એમ પણ જણાવ્યુ કે ગુજરાત સાથેના સુદ્રઢ-ઉષ્માપૂર્ણ સંબંધો જાળવી રાખવા ઇઝરાયેલની મુખ્યમંત્રીશ્રીની મૂલાકાત ગૌરવરૂપ બનશે.

તેમણે ઇઝરાયેલના એગ્રીકલ્ચર ઇનોવેશન અને રીસર્ચ ડેવલપમેન્ટને ભારત સરકાર, ગુજરાત રાજ્ય તેમજ અન્ય રાજ્યો સંબંધિત ક્ષેત્રોમાં ઉપયોગ કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

અત્રે નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સહિતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળની ઈઝરાઇલ મુલાકાતનો હેતુ એગ્રીકલ્ચર સેકટરમાં કોલોબ્રેશનની તકો, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની ટેકનોલોજી ટ્રાન્સફર સમજણ અને દરિયાના પાણીના મહત્તમ ઉપયોગ વપરાશના પાણી માટે કરવાની ડીસેલીનેશનની આધુનિક ટેકનોલોજીમાં વિસ્તૃત જાણકારી મેળવવાનો છે.

ઇઝરાઇલ ભૌગોલિક અને કુદરતી રીતે ખેતી થઇ શકે તેવું વાતાવરણ ન ધરાવતું હોવા છતાં એગ્રીકલ્ચરલ ટેકનોલોજીમાં વર્લ્ડ લીડર બન્યું છે અને તાજા ઉત્પાદનોનું મોટુ નિકાસકાર છે તે સંદર્ભમાં ગુજરાતમાં પણ આનો લાભ મેળવી શકાય તે હેતુથી આ મુલાકાત મહત્વપૂર્ણ બનશે.