Main Menu

શિવાજી મહારાજ મેમોરિયલ માટે આધારશીલા મુકી દેવાઈ

મુંબઈ,તા. ૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના ભવ્ય સ્મારકની આધારશીલા મુકી હતી. આ સ્મારક માટે જળપૂજનની વિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાને એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુંબઈના બાંદરા-કુર્લા સંકુલમાં મંચ ઉપર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સહિત સમગ્ર કેબિનેટની ટીમ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને નીતિન ગડકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. શિવાજી મહારાજ મેમોરિયલ ઉપર ૩૬૦૦ કરોડ રૂપિયા  ખર્ચ થશે. અરબ સાગરમાં દરિયાથી આશરે ૧.૫ કિલોમીટર અંદર મરાઠા યોદ્ધા શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે. આ પ્રતિમા ૧૯૨ મીટર ઉંચી હશે. આ સંદર્ભમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં જ નહીં બલ્કે દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ તરીકે રહેશે. આશરે ૩૨ એકરના એક પહાડ ઉપર આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવનાર છે. આ મૂર્તિની ડિઝાઈન પદ્મભૂષણથી સન્માનિત મૂર્તિકાર રામસુતાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. મેમોરિયલમાં એક સાથે આશરે ૧૦૦૦૦ લોકો આવી શકશે. મોદીએ શિવાજી મહારાજના વિરાટ વ્યક્તિત્વની આજે જોરદાર પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, ઇતિહાસકારોની નજરથી તથા અન્યોની રીતે પણ શિવાજી મહારાજને અમે જોઇએ છીએ તો અશ્વ અને તલવાર દેખાતાની સાથે જ શિવાજી મહારાજની યાદ તાજી થઇ જાય  છે. જે રીતે ભગવાન રામ અને કૃષ્ણના વ્યક્તિત્વ માત્ર રાવણ વધ અથવા કંસ વધથી કરી શકાય નહીં તેવી જ રીતે શિવાજી માત્ર અશ્વ, તલવાર અને યોદ્ધા સુધી મર્યાદિત નથી.