Main Menu

પ્રવેશોત્સવ યોજતા મંત્રીઓ-અધિકારીઓના કેટલા બાળકો સરકારી શાળામાં?

રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મોટા પાયે ચલાવવામાં આવે છે અને મંત્રીઓથી લઇને ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં ભાગ લેતા હોય છે. સરકારી કે મહાનગરપાલિકાની શાળાઓમાં દર વર્ષે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાય છે. તે સાથે ગુણોત્સવ પણ યોજાય છે. રાજય સરકાર દ્વારા શાળાઓમાં કોમ્પ્યુટરથી લઇને અત્યાધુનિક સુવિધા અને પૂરતા શિક્ષકો હોવા સાથે આવી શાળાઓનું ધોરણ સુધર્યું હોવાનો દાવો કરે છે ત્યારે હવે કેટલા મંત્રીઓ કે અધિકારીઓના પરિવારના સંતાનો સરકારી શાળામાં ભણે છે તેવો સવાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહ્યો છે.
સરકારી શાળાઓ પાછળ રાજય સરકાર અબજો રૂપિયાનું બજેટ ખર્ચે છે અને તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા બાદ ખાનગી શાળાઓ સરકાર દ્વારા દત્તક લેવામાં આવી રહી છે અને સરકારી શાળાઓનું સ્તર એટલી હદ સુધી સુધારાયું છે કે મોટો વર્ગ હવે તેમાં બાળકોને ભણાવી રહ્યો છે.
આપના કેટલાક ધારાસભ્યોના બાળકો પણ સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કરી છે. સીબીએસઇમાં ખાનગી શાળાઓ જેટલું કે તેના કરતા પણ કેટલીક સરકારી શાળાનું પરિણામ વધુ હોય છે.
ગુજરાતે દીર્ઘ દ્રષ્ટિથી દોઢ દાયકા પહેલા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને ગુણોત્સવ શરૂ કરાવ્યો અને તેના કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટવાના અને કન્યાઓ ભણતી થઇ તેવા કેટલાક સારા પરિણામ મળ્યા પરંતુ કમનસીબે સરકારી શાળાઓના શિક્ષણની ગુણવત્તાની છાપ એટલી ઉભી ના થઇ શકી કે ખુદ ધારાસભ્યો, મંત્રીઓ, સનદી અધિકારીઓ, કોર્પોરેટરો કે અન્ય ઉચ્ચ અધિકારીઓ જ પ્રવેશોત્સવમાં ભાગ લેતા હોવા છતાં તેમના બાળકોને આવી શાળામાં ભણવા માટે મૂકી શકે. કેટલાક અપવાદને બાદ કરતા કોઇ ધારાસભ્ય-નેતા કે અધિકારી પોતાના બાળકોને સરકારી કે મ્યુનિસિપાલિટીની શાળામાં બાળકોને ભણાવતા નથી.
ગ્રામ્ય સાથે શહેરી વિસ્તારોની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાય છે ત્યાં પણ બે-ચાર કિસ્સાને બાદ કરતા કોઇ કોર્પોરેટર કે અધિકારી તેમના બાળકોને ભણાવવા તૈયાર નથી. ઉલટાનું કોન્વેન્ટ સ્કૂલ અને પ્રાઈવેટ મોંઘીદાટ શાળાઓ જ પ્રથમ પસંદગી હોય છે.
સોશિયલ મીડિયાની ચર્ચા મુજબ ભાજપ સરકારે હવે સરકારી શાળાઓના શિક્ષણની ગુણવત્તા સુધારવા સાથે એ સમય પાકી ગયો છે કે નેતાઓ-અધિકારીઓના બાળકો તેમાં ભણી શકે જેના કારણે અન્ય લોકો પણ તેમના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા માટે પ્રેરાય.



« (Previous News)