Main Menu

ધોમધામ ગરમીની વચ્ચે ૫૩૦ બાળકોએ ગીરીરાજની ૯૯ યાત્રા કરી

પાલીતાણા: તીર્થ પાલીતાણા ખાતે શ્રી શત્રુંજયની ૯૯ યાત્રા વર્ષમાં બે વખત થાય છે. શ્રી શત્રુંજય પર્વત પર શ્રી આદીનાથ દાદા પૂર્વ ૯૯ વાર પધાર્યા હતા. તેથી ૯૯ યાત્રાનો અનેરો મહીમા છે.
ગીતાંજલી બોરીવલી શ્રી સંઘે મુનિરાજશ્રી નિરાગચંદ્ર વિજયજીની પ્રેરણાથી ૯૯ યાત્રા કરાવવાનો પ્રારંભ કર્યો. આ પાંચમી ૯૯ યાત્રા ૫૩૦ બાળકોના ભવ્ય માહોલ સાથે ચાલી રહી છે. આવી ગરમીમાં નિત્ય એકાસણા, વ્યાખ્યાન, પ્રતિક્રમણ, આદિ દિનચર્યા બાળકો પાડી રહ્યાં છે.
એ.સી.માં રહેનાર ગાડીમાં ફરનાર એકાસણા કદી નહીં કરનાર એવા નાના બાળકો દરરોજ ૩-૪ યાત્રા કરી રહ્યા છે. ચોવીહારો છઠ્ઠ કરીને સાત યાત્રા અઠ્ઠમ કરીને ૧૫ યાત્રા કરે છે. ૧૦ વર્ષના બાળકો પણ ૯૯ યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે. પ. પૂ. ઉપાધ્યાય શ્રી પુંડરીક વિજયજી મ.સા.ની નિશ્રામાં ૯૯ યાત્રાની આરાધના થઈ રહી છે.
૯૯ યાત્રા કહેવાય પરંતુ ૧૦૮ યાત્રા કરવી પડે છે અને ઉનાળુ નવ્વાણુ એટલે વેકેશન ૯૯ હોવાથી ૪૫ દિવસમાં જ પૂર્ણ કરવી પડે છે. આ ૪૩ – ૪૪ ડીગ્રી વચ્ચે ખુલ્લા પગે ચડી યાત્રા કરી રહ્યા છે. ૯૯ યાત્રાની સાથે ૩ ગાઉ ૬ ગાઉ ૧૨ ગાઉ સહીતની યાત્રા કરે છે. ગીરીપુજન ગીરી વધામણા બહુમાન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે.
આ ૯૯ યાત્રાને સફળ બનાવવા શ્રી ગીતાંજલી જૈન સંઘ બોરીવલીના કાર્યકરો તન, મન, ધનથી બાળકોની સેવા કરી રહ્યા છે.