Main Menu

૫ વર્ષથી એક જગ્યાએ હોય તેવા કર્મચારીની બદલી થશે

ગુજરાત રાજય પોલીસ તંત્રમાં એક જ જગ્યા પર પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ નિભાવી રહ્યા હોય તેવા પોલીસ કર્મચારી-અધિકારીઓની બદલી કરવા અંગે રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ બહુ મહત્વનો આદેશ કર્યો છે. ડીજીપીના આ મહત્વના આદેશને પગલે સમગ્ર રાજય પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તો, પાંચ વર્ષથી એક જગ્યા પર ફરજ નિભાવી રહ્યા હોય તેવા પોલીસ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ૫ વર્ષથી એક જ જગ્યા પર ફરજ નિભાવી રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવા માટે આદેશ આપ્યો છે. ડીજીપી ઝાએ પોલીસ સ્ટેશન્સ અને બ્રાન્ચમાં ૫ વર્ષથી ફરજ નિભાવતા હોય તેવા પોલીસકર્મીઓને તાકીદે બદલવા માટે હુકમ કરતાં રાજયના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા સાથે ફફડાટની લાગણી પણ ફેલાઇ ગઇ છે. પોલીસ કર્મચારીઓમાં ડીજીપીના આદેશને લઇ ભારે ચર્ચા ચાલી છે. ગુજરાતના પોલીસ વડાએ પોલીસ કર્મચારીઓ,જિલ્લાપોલીસ વડા તથા રેન્જ વડાઓને ઉદ્દેશીને આ આદેશ કર્યો છે. તેમણે તા. ૧૦મી જૂન સુધીમાં આવા પોલીસ કર્મચારીઓની બદલી કરી તેનો સમગ્ર અહેવાલ મોકલવા ડીજીપી કચેરીને મોકલવા સ્પષ્ટ તાકીદ કરી છે. જા કે, જે કર્મચારીના સંતાન ધોરણ ૧૦,૧૨ કે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા પોલીસ કર્મચારીઓને બદલીના આ નિર્ણયમાંથી એક વર્ષ માટે મુક્તિ આપવાની જાહેરાત પણ ડીજીપી શિવાનંદ ઝાએ કરી હતી. આ સિવાય નવી ભરતીમાં જે મહિલા લોક રક્ષકોને ૫ વર્ષ થઈ ગયા હોય તેવી મહિલા કર્મચારીઓની પણ બદલી કરવાનું પણ આદેશમાં તાકીદ કરાઇ છે. ડીજીપીના નિર્ણયને પગલે હાલ તો રાજય પોલીસતંત્રમાં જબરદસ્ત ચર્ચા ચાલી છે.