Main Menu

ભાજપ નેતાઓ કુલરની ઠંડકમાં અને ખેડૂતો તાપમાં ઉપવાસ પર

ભાવનગર,
દેશમાં ઉપવાસ અને પ્રતિક ઉપવાસનું જાણે નાટક ચાલી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસે પ્રતિક ઉપવાસને તો જાણે રમત બનાવી દીધી હોય તેમ દેશભરમાં એક ઉપહાસનું જાણે સાધન બનાવી દીધુ હોય તેવી લોકલાગણી સામે આવી રહી છે. લોકશાહી માળખામાં શાસક પક્ષ અને વિપક્ષ રાજકારણ અને પોતાની વાત ચઢિયાતી સાબિત કરવા ઉપવાસના નાટકો અને ઠાલા વચનો થકી દેશની જનતા સાથે રમત રમી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે ભાવનગરમાં લોકશાહી માળખામાં પ્રજાએ હવે આંખો ખોલી નાંખવી પડે તેવા દ્રશ્યો જાવા મળ્યા હતા. જયાં ભાવનગરના ઘોઘા ખાતે ૧૨ ગામના ખેડૂતો પોતાની જમીનો બચાવવા ઉનાળાના બળબળતા તાપમાં ખુલ્લા આકાશ નીચે શેકાઇ જવાય તેવી ભઠ્ઠીમાં ઉપવાસ પર બેઠા છે, તો બીજીબાજુ, ભાજપના સ્થાનિક નેતાઓ અને આગેવાનો તેનાથી અમુક કિ.મી જ દૂર એક વિશાળ વાતાનુકૂલિત ડોમમાં વોટર સ્પ્રે પંખા અને એરકુલરની ઠંડી હવામાં પ્રતિક ઉપવાસ પર બેઠેલા અને તેમાં નિંદ્રા માણતા નજરે પડયા હતા. સંસદનું સત્ર ખોરવવાના વિપક્ષના વલણના વિરોધમાં ભાજપ દ્વારા આજે સમગ્ર દેશમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં પણ ભાવનગર પણ શહેર જિલ્લા ભાજપ દ્વારા ઘોઘાગેટ ચોક ખાતે પ્રતિક ધરણાં યોજાયા હતા. બીજી તરફ આ સ્થળથી ૨૫ કિ.મી. દૂર ઘોઘા ખાતે ૧૨ ગામના ખેડૂતોએ પાવર પ્લાન્ટ દ્વારા સંપાદિત થયાના બે દસકા બાદ ખેતીની ફળદ્વપ જમીનનું હસ્તાંતરણ હાથ ધરવાની સરકારની મનસ્વી કામગીરીના વિરોધ કરી છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાના ધોમધખતા તડકામાં ખુલ્લા આકાશમાં શેકાઇ જવાય એવી ભઠ્ઠી જેવી ગરમીમાં ઉપવાસ પર ઉતર્યા છે. એક જ જિલ્લામાં અને એક આકાશ નીચે યોજાયેલા આ ધરણાંમાં તફાવત માત્ર એટલો જ હતો કે ખેડૂતો પોતાના જમીનના હકક માટે અંદાજીત ૩૯ ડિગ્રી તાપમાનમાં કોઇપણ પ્રકારની પ્રાથમિક સુવિધા વગર પોતાની ન્યાયિક લડાઇને વાચા આપવા બળબળતી ગરમીમાં શેકાઇને ઉપવાસ પર ઉતરી સરકારનું ધ્યાન દોરી રહ્યા છે તો બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાઓ-હોદેદારોથી લઇ કાર્યકરો કે જે પૈકીના મોટાભાગના આજના ઉપવાસ કાર્યક્રમના મુળ એજન્ડાથી પણ અજાણ છે તેઓ હાઇફાઇ રીતે તૈયાર થયેલાં વોટર સ્પ્રે પંખા સાથેના વાતાનુકુલીત ડોમની નીચે પાંચ કુલરની ઠંડી હવા આરોગવા સાથે અનુકરણીય ઉપવાસ, મીઠી નીંદર માણતા જાવા મળ્યા હતા. આ બન્ને વિરોધાભાસી પરંતુ વાસ્તવિકતા રજૂ કરતી તસ્વીરો જ દેશની પ્રર્વતમાન સ્થિતિનો સાચો ચિતાર આપી દે છે અને તેથી પ્રજાએ હવે આંખો ખોલવાનો સમય પાકી ગયો છે તેવો સ્પષ્ટ સંદેશો આપી રહી છે.


error: Content is protected !!