Main Menu

સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ IRNSS-1I લોન્ચ

શ્રીહરિકોટા,તા. ૧૨
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ આજે વધુ એક મોટી સિદ્ધિ હાસલ કરી હતી. ઇસરોએ આજે પોતાના નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ-૧આઈને સફળતાપૂર્વક લોંચ કરી દેતા વૈજ્ઞાનિક સમુદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત આઈઆરએનએસએસ-૧આઈ સેટેલાઈટને પીએસએલવી-સી૪૧ રોકેટ મારફતે લોંચ કરવામાં સફળતા મળી હતી. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી વહેલી પરોઢે ચાર વાગે આઈઆરએનએસએસ-૨ને ફર્સ્ટ લોંચ પેડ (એફએલપી)થી પીએસએલવી-સી૪૧ મારફતે લોંચ કરી દેવામાં આવ્યું હતું. આઈઆરએનએસએસ-૧આઈ આઈઆરએનએસએસ-૧એચ સેટેલાઇટની જગ્યાએ છોડવામાં આવ્યો છે જેના લોન્ચિંગમાં ગયા સપ્તાહમાં નિષ્ફળતા હાથ લાગી હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ હાલમાં નિષ્ફળતાનો સામનો કર્યા બાદ આને લઇને ખુબ જ સાવચેતી રાખવામાં આવી હતી. પીએસએલવી-સી૪૧ના ટેક્સ્ડબુક પ્રકારના લોંચમાં ચાર તબક્કા રહ્યા હતા. નિર્ધારિત પરિભ્રમણ કક્ષામાં ગોઠવાઈ જવામાં આ સેટેલાઇટને ૧૯ મિનિટ લાગ્યા હતા. નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ-૧એની જગ્યાએ આને છોડવામાં આવ્યો છે. આઈઆરએનએસએસ-૧આઈનું વજન ૧૪૨૫ કિલોગ્રામ છે અને તેની અવધિ ૧૦ વર્ષની રહેલી છે. નેવિગેશન સેટેલાઇટના ક્ષેત્રમાં ભારતે હાલના વર્ષોમાં ઉલ્લેખનીય સફળતા હાસલ કરી છે. હવે ઇસરો સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત આઈઆરએનએસએસ-૧આઈને લોંચ કરીને અગાઉની નિષ્ફળતાના રેકોર્ડને દૂર કરીને પોતાની સર્વોપરિતા પૂરવાર કરી છે. આઈઆરએનએસએસ એટલે કે ઈન્ડિયન રિઝનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઇસરો દ્વારા વિકસિત કરવામાં આવેલી એક સિસ્ટમ છે જે સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ અને તેની સરહદથી ૧૫૦૦ કિલોમીટરના અંતરના હિસ્સામાં તેની ઉપયોગીતાને પૂરવાર કરવાનો છે. આઈઆરએનએસએસ-૧આઈ ઇસરોની નેવી પ્રણાલીના એક હિસ્સા તરીકે રહેશે. સેટેલાઇટ મેપ તૈયાર કરવા, સમય અંગે યોગ્ય માહિતી મેળવવા, નેવિગેશનની પૂર્ણ માહિતી એકત્રિત કરવા, દરિયાઇ નેવિગેશન ઉપરાંત લશ્કરી ક્ષેત્રમાં પણ તે ઉપયોગી સાબિત થશે. લોંચના સંદર્ભમાં માહિતી આપતા ઇસરોના ચેરમેન ડોક્ટર કે શિવાને લોંચ બાદ તરત જ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે, આ સફળ મિશન બદલ તેઓ વૈજ્ઞાનિકોને અભિનંદન આપે છે. પીએસએલવી-સી૪૧ના લોંચ સંદર્ભમાં માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, ભારતના આઠમાં નેવિગેશન સેટેલાઇટને નક્કી કરવામાં આવેલી પરિભ્રમણ કક્ષામાં મુકી દેવામાં સફળતા મળી છે. ૨૯મી માર્ચના દિવસે જીએસએલવી લોંચ બાદ ૧૪ દિવસના ગાળામાં બીજી મોટી સફળતા મળી છે. આ સફળતા હાસલ કરવા માટે ઇસરોના સમુદાયના તમામ લોકો સતત પરિશ્રમ કરી રહ્યા હતા. લોંચમાં નવી વિશેષતા અંગે વાત કરતા સિવાને કહ્યું હતું કે, આ વખતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વદેશી નેવિગેશન સિસ્ટમને લોકપ્રિય બનાવવાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, આનાથી વૈજ્ઞાનિક સમુદાયમાં નવી ટેકનોલોજી વિકસિત કરવામાં સફળતા મળશે. અત્રે નોંધનીય છે કે ૨૯મી માર્ચના દિવસે ભારતના દમદાર દૂરસંચાર સેટેલાઇટ જીસેટ-૬એને ખુબ જ ઉત્સુકતાપૂર્વક અને ઉત્તેજનાપૂર્ણ માહોલમાં શ્રીહરિકોટાના અંતરિક્ષ લોંચ કેન્દ્રથી લોંચ કરવામાં આવ્યા બાદ તેની સાથે સંપર્ક તુટી ગયો હતો. જેના કાણે ઇસરોની સાથે સાથે સેનાને પણ ફટકો પડ્યો હતો. આજે સફળ લોન્ચિંગ કરીને ઇસરોએ અગાઉની ખામીને દુર કરી દીધી છે. ૨૯મી માર્ચના દિવસે ૪૧૪૦ કિલો વજનના જીસેટ-૬એ દૂરસંચાર સેટેલાઇટને લઇ જવાવાળા જીએસએલવી એમકે-૨ને શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેશ સેન્ટરથી બીજા લોંચપેડથી લોંચ કરવામાં આવ્યા બાદ તેનો સંપર્ક તુટી ગયો હતો. તમામ લોકો જાણે છે કે, જીસેટ-૬ વર્ષ ૨૦૧૫માં ૨૭મી ઓગસ્ટના દિવસે લોંચ કકરવામાં આવ્યા બાદ તેની કોમ્યુનિકેશન સેવા ઉપલબ્ધ કરાવે છે. શ્રીહરિકોટા ખાતે કાઉન્ટડાઉન વેળા તમામ બાબતો ઉપર ઝીણવટભરી નજર વૈજ્ઞાનિકો રાખી રહ્યા હતા. કોમર્શિયલ ક્ષેત્રમાં ઇસરોએ ખુબ જ પ્રતિષ્ઠા જમાવી છે. અમેરિકા સહિતના દેશો સેટેલાઇટ લોંચના મામલામાં ભારત ઉપર આધારિત થઇ રહ્યા છે. વિતેલા વર્ષોમાં ઇસરોએ અમેરિકા સહિતના દેશોના સેટેલાઇટ સફળતાપૂર્વક લોંચ કર્યા છે અને આમા સફળતાપણ મળી છે. જંગી પૈસા પણ મળી રહ્યા છે.