Main Menu

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો સ્વીકાર ઃ યુવા નેતાને અગત્યની જવાબદારી સોંપી .
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની સત્તાવાર નિયુકિત કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા બહુ મહત્વનો નિર્ણય લઇ આ ફેરબદલ કરવામાં આવી છે અને ગુજરાત કોંગ્રેસની બાગડોર આખરે યુવા નેતા અને આંકલાવના ધારાસભ્ય એવા અમિત ચાવડાને સોંપવામાં આવી છે. તો, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી ભરતસિંહ સોલંકીના રાજીનામાનો કોંગી હાઇકમાન્ડે સ્વીકાર કરી લીધો છે. આ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઇ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે તો, સાથે સાથે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં કોંગી હાઇકમાન્ડે મહત્વના ફેરફારો અને યુવા નેતાઓને પ્રાધાન્યતાના સ્પષ્ટ સંકેતો આપી દેવાયા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે આંકલાવના ધારાસભ્ય અને યુવા ચહેરા એવા અમિત ચાવડાની નિમણૂંક કરાતાં ગુજરાત કોંગ્રેસમાં આ સમાચાર મુખ્ય અને મહત્વની ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો. અમિત ચાવડા રાજકીય કુંટુંબમાંથી આવે છે, તેમના દાદા ઇશ્વરભાઇ ચાવડા એક સમયે સાંસદ હતા, એટલું જ નહી, ઇશ્વરભાઇ ચાવડા રાજયના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. આમ તે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દિકરા થાય છે. અમિત ચાવડા પૂર્વ સાંસદ ઇશ્વરભાઇ ચાવડાના પુત્ર અજીત ચાવડાના દિકરા છે અને તે સંબંધે તે પૂર્વ સાંસદના પૌત્ર છે. આમ, રાજકારણ તેમને વારસામાં મળ્યું છે. અમિત ચાવડા હાલ ગુજરાત વિધાનસભામાં દંડક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પ્રોફાઇલ જાઇએ તો, ૪૧ વર્ષીય ચાવડા કેમીકલ એÂન્જનીયરની ડિગ્રી ધરાવે છે, ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સોગંદનામા પ્રમાણે તેઓ એક કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. ૨૦૦૪માં તેઓ પ્રથમ વખત બોરસદથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. આ બેઠક પરથી પહેલા ભરતસિંહ સોલંકી ધારાસભ્ય હતા. ભરતસિંહ પહેલા તેમના પિતા માધવસિંહ સોલંકી પણ આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂકયા હતા. અમિત ચાવડા ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે. ૨૦૧૨ વિધાનસભાની ચૂંટણી બાદ તેમને વિધાનસભામાં ઉપદંડક અને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી બાદ વિધાનસભામાં હાલ તેમને દંડક તરીકેની અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે. જા કે, હવે અમિત ચાવડાને કોંગી હાઇકમાન્ડે તેમનામાં બહુ વિશ્વાસ મૂકી ખૂબ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આજે સાંજે અમિત ચાવડાની ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના પક્ષના અન્ય આગેવાનો, નેતાઓ અને કાર્યકરો તરફથી ચાવડાને શુભેચ્છા-અભિનંદન પાઠવાયા હતા.


error: Content is protected !!