Main Menu

ગાંધીનગરમાં વિશ્વનું સર્વપ્રથમ અત્યંત આધુનીક વ્યસનમુક્તિ પ્રદર્શન

કરોડો રૂપિયાની આવક થાય એટલે માણસ નવા-નવા ફાર્મ હાઉસ , નવા બંગલા, ગાડીઓ ખરીદે ચાર બંગડીવાળી…. દિવસે–દિવસે માણસ વ્‍યસન અને ફેશનમાં ખોવાતો જાય છે. સાથે–સાથે ન કરવાના ખર્ચા પણ કરે લોકોને દેખાડવા સારુ, લાખો રૂપિયાના ધુમાડા કરતા હોય છે. પરંતુ હજારો માં કોઇક જ એવા ભારતના સપૂત હોય છે કે જે આ દેશ માટે પોતાની માટીનું ઋુણ ચુકવવા પૈસા વાપરતા હોય છે. બાકી અમુક મુર્ખાઓ તો સમાજમાં નામ થાય વાહ-વાહ થાય તે માટે કરોડો ખર્ચી નાખે છે. પણ આજે એક ગુજરાતની ભૂમીના લાડીલા યુવકની વાત કરવા જઇ રહ્યા છીએ જેણે ગુજરાતના લાખો વિધાર્થીઓ, યુવાનો જે વ્‍યસનમાં ફસાયેલા છે તેને બહાર લાવવા માટે પોતાનુ તન-મન-ધન સર્વસ્‍વ અર્પી દીધુ છે. પોતાની તમામ સંપતી લાખો લોકોને વ્‍યસનના સંકજામાંથી બહાર કાઢવા માટે વાપરી નાંખી છે. જે યુવક ગાંધીનગરમાં વિશ્વનુ સર્વ પ્રથમ સૌથી આધુનિક વ્‍યસનમુક્તિ પ્રદર્શન બનાવી રહ્યા છે.

જેના અલગ-અલગ હોલમાં પોસ્‍ટર, બેનર, ફોટોગ્રાફ્સ લગાવવામાં આવી રહ્યા છે જે વિવિધ વ્‍યસનથી નુકશાન અને કેન્‍સરની માહિતી આપશે. સાથે-સાથે ઓડીયો અને વિડીયો પ્રોજેક્ટર થીયેટર પણ રાખવામાં આવ્‍યુ છે. જ્યાં બધા જ લોકો વ્‍યસનની ભયાનકતા  ઉપર ધણા બધા વિડીયો જોશે. એટલું જ નહી પરંતુ આધુનિક પ્રેક્ટીકલ રૂમ તૈયાર કર્યા છે જ્યાં દારૂ, તમાકુ, સિગારેટ ના પ્રેક્ટીકલ દ્રારા શરીર ઉપર કેવી અસર થાય છે, કેવા નુકશાન થાય છે તે બતાવવામાં આવશે.

આ યુવકનું નામ છે ‘‘આશિષભાઇ સોની’’, જેનું સપનું છે કે દરેક શહેર અને ગામમાં આવા વ્‍યસનમુક્તિ પ્રદર્શન કાયમી ધોરણે  ખુલે તેના માટે પોતાની અમેરીકાની જીંદગીભરની બચત વાપરી નાંખી છે.

અત્યારે આવા ધોર કળિકાળમાં આજે આપણે એવા યુવકની વાત કરવા જઇ રહ્યા છીએ કે જેમણે પોતાના મા-બાપની સેવા, તેમની ઇચ્છા પુરી કરવા માટે અમેરિકાને ઠોકર મારી કાયમ માટે સ્વદેશ પાછા આવી ગયા હોય. એટલું જ નહીં પરંતુ મા-બાપની સેવા માટે પોતાના જીવનની તમામ ખુશીઓ, પોતાના તમામ સપના, સુખ ન્‍યોછાવર કરી દીધા હોય. આ વાત છે ગાંધીનગરમાં રહેતા આશિષભાઇ જસવંતલાલ સોની ની. આજથી વર્ષો પહેલા ગાંધીનગર હોસ્‍પીટલથી અમેરીકામાં રહેતાં આશિષભાઇ પર ફોન આવ્‍યો કે તમારા પપ્‍પા ને તમાકુ ના લીધે કેન્‍સર થતુ જાય છે અને મમ્‍મી ને હાર્ટએટેકના લીધે પેરાલીસીસ થયો છે. જો તેમને બચાવવા હોય તો વિચાર કરી લેજો. ’’

આશિષભાઇ કોઇ સામાન્‍ય યુવક નથી.,તેમણે વિશ્વની અગિયાર જેટલી ડીગ્રીઓ લીધી છે. અમેરીકામાં ખુબ અભ્‍યાસ કર્યો છે, લાખો રૂપિયાની મહીને આવક હતી. ગાડી, મકાન બધું જ સુખ ભોગવતા હતા. પરંતુ જેના માટે મા-બાપ એજ ભગવાન હોય તેની આગળ આ બધું સુખ તુચ્‍છ જ લાગે. તરત જ તેમણે આ બધુ વેચી દઇ ભારત પાછા ફર્યા. માતા-પિતાની આંખમાં હર્ષના આંસુ હતા.

માતા-પિતાની સેવા પાછળ અમેરીકાની તમામ બચત વાપરી નાંખી, પરંતુ પિતાને બચાવી ન શક્યા. અંતિમ શ્વાસે પિતાએ કહ્યું ‘‘બેટા ! હું તો આ વ્‍યસનને લીધે તમને બધાને છોડીને જઇ રહ્યો છું, પરંતુ મારા જેવા લાખો લોકો આ વ્‍યસનમાં ફસાયા છે તો શુ તુ તેમને બચાવીશ? ’’

આશિષભાઇએ પત્‍ની સામુ જોઇ મરજી જાણી વચન આપ્‍યું ‘‘ અમે જીવનભર વ્‍યસનમુક્તિ અભિયાન ચલાવીશું, લાખો બાળકો અનાથ થતા બચાવવા , સેવામાં ૧૦૦% સહભાગી થવા માટે પોતાના બાળકો કદીય નહીં કરીએ’’. આવી કઠોર ભીષ્‍મ પ્રતીજ્ઞા લીધી. ધન્‍ય છે આ પતિ-પત્‍ની ને બસ ત્‍યારથી આજ સુધી ગામો-ગામ, શહરોમાં હજારો વ્‍યસનમુક્તિ પ્રદર્શન દ્રારા, કેમ્‍પ દ્રારા લાખો લોકોને વ્‍યસનથી છોડાવી નવું જીવન આપતા ગયા છે. અત્‍યાર સુધીમાં લગભગ ૧૪૭ જેટલી કોલેજ અને યુનીર્વસીટીઓમાં જઇને સેમિનાર દ્વારા લાખો વિધાર્થીઓને જીવનભર વ્‍યસન નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી છે. લગભગ ૧૫૦ જેટલી નાની-મોટી કંપનીઓ જેવી કે INTAS PHARMA, LUBI, TATA, Reliance  જેવી કંપનીઓના 8૦,૦૦૦ થી વધુ કામદારોના સેમીનાર દ્રારા વ્‍યસન મુકાવ્‍યા છે. આખા ભારતમાં સૌથી વધારે વ્‍યસન છોડાવવા માટે નો એવોર્ડ ભૂતપુર્વ મુખ્‍યમંત્રીશ્રી આનંદીબેન દ્વારા  આપવામાં આવ્યો છે. સવારના ૬-૦૦ થી રાત્રિના ૧૧-૦૦ વાગ્‍યા સુધી સતત સેવા યજ્ઞ ચાલુ જ છે. ધન્‍ય છે ભારતની ભૂમિને કે જ્યાં આશિષભાઇ અને તેમના ધર્મપત્‍નિ ગોપીબેન જેવા રત્‍નો પાક્યા છે. ટૂંકજ સમયમાં તે ભારતનું સૌથી મોટું ત્રણ માળનું વ્‍યસનમુક્તિ પ્રદર્શન કેન્દ્ર  ગાંધીનગરમાં ખોલવા જઇ રહ્યા છે. જ્યાં લાખો વિદ્યાર્થીઓ અને યુવાનો આવી પોતાનુ નવું જીવન બનાવશે. તેમનો સંકલ્‍પ તો દરેક શહેરમાં ખોલવાનો છે. આવો આપણે બધાં તેમને સાથ સહકાર આપીએ. અમો પણ આ અભિયાનનાં અવાર-નવાર લેખ દ્વારા સમાચાર તમોને આપતાં રહીશું. વ્‍યસનમુક્તિ અભિયાન ઝુંબેશમાં સાથ આપવા માટે vyasanmuktgujarat@gmail.com પર ઇમેલ કરી શકો છો. આવો આમના જીવનમાંથી પ્રેરણા લઇ આપણે પણ  નિર્વ્‍યસની જીવન બનાવીએ અને બીજાનું બનાવડાવીએ.