Main Menu

ચેટીચંડ, ગુડીપડવો, યુગાદિ-ઉગાદિ પર્વની ભવ્ય ઉજવણી

આજથી માતાજીની પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હતો તો, સાથે સાથે આજે સિંધીસમાજના નૂતન વર્ષ એટલે ચેટીંચડ, મરાઠીસમાજના નવા વર્ષ ગુડી પડવો, વર્ષ પ્રતિપદા અને સૃષ્ટિના આરંભ દિન એવા યુગાદિ-ઉગાદિનો અનોખો સંયોગ સર્જાયો હતો. શહેર સહિત રાજયભરમાં આ તમામ પર્વોની ભારે હર્ષોલ્લાસ, ભકિતભાવ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ચેડીચંડ સિંધી ફેસ્ટીવલ કલ્ચરલ કમીટી, ચેટીચંડ ડે કમીટી અને ચેટીચંડ મેલા કમીટીના સંયુકત ઉપક્રમે સિંધી સમાજના ઇષ્ટદેવતા ઝુલેલાલના જન્મદિવસ ચેટીચંડ નિમિતે આજે બપોરે બે વાગ્યાથી નરોડા પાટિયાથી સરદારનગર સુધી ભવ્ય અને પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તો મરાઠી ભાઇ-બહેનો ગુડીપડવોની ભવ્ય ઉજવણી કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તો, આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના માતાજીના મંદિરોમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના, આરતી, થાળ અને અદ્‌ભુત સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. ચૈત્રી નવરાત્રિના આજના પ્રથમ દિવસે રાજયના સુપ્રસિધ્ધ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, ચોટીલા સહિતના માતાજીના સ્થાનકોમાં તો જાણે ભકતોનું ઘોડાપ\ ઉમટયુ હતું. અમદાવાદ શહેરમાં પણ સુપ્રસિધ્ધ ભદ્રકાળી મંદિર, માનવમંદિર, બહુચરાજી મંદિર, ધનાસુથારના પોળના અતિપ્રાચીન અંબાજી મંદિર સહિતના મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોએ માતાજીના દર્શન માટે ભારે પડાપડી કરી હતી. આજે સિંધીસમાજના તહેવાર ચેટીચંડ નિમિતે શહેરમાં નીકળેલી ભવ્ય શોભાયોત્રામાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સિંધી સમિતિના કન્વીનર અને ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપÂસ્થત રહ્યા હતા. ત્રણથી ચાર કિલોમીટર લાંબી એવી આ શોભાયાત્રામાં ૧૦૦થી વધુ શણગારેલી ટ્રકો, ભગવાન ઝુલેલાલ, શંકર-પાર્વતી ઉપરાંત સામાજિક સંદેશો આપતી ઝાંખીઓ, સિંધી લોકનૃત્યો, બહેરાણા સાહેબ, છેજ, અને લાલસાંઇની પવિત્ર જયોતે જબરદસ્ત આકર્ષણ જમાવ્યું હતું. તો, જૂના વાડજ વિસ્તારમાં સોરાબજી કમ્પાઉન્ડ ખાતે પણ આજે સિંધી સમાજ સેવા ટ્રસ્ટ યુવા મંડળ દ્વારા ચેટીચંડના તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના ભાઇ-બહેનો ખૂબ મોટી સંખ્યામાં જાડાયા હતા. સોરાબજી કમ્પાઉન્ડ ખાતે પણ થીમબેઝ આકર્ષણો ઉભા કરાયા હતા. જેમાં સિંધી સમાજના ભાઇ-બહેનો દ્વારા ભગવાન ઝુલેલાલની આઠ ફુટ ઉંચી પ્રતિમા અને તેની આસપાસ સુંદર ફુવારા, ગાર્ડન અને ગુલાબ સહિતના ફુલોના શણગાર સહિતની વિવિધ થીમ પરના આકર્ષણો ઉભા કરવામાં આવ્યા હતા. સવારે આઠ વાગ્યાથી લઇ સાંજે છ વાગ્યા સુધી ભગવાન ઝુલેલાલની પૂજા, આરતી, બહેરાણા સાહેબ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભગવાન ઝુલેલાલની પવિત્ર જયોત પ્રગટાવી સમગ્ર વિસ્તારમાં તેનું પરિભ્રમણ કરાવાયુ હતું. કાર્યક્રમ દરમ્યાન સિંધી સમાજ સહિત તમામ ધર્મના ભાઇ-બહેનો, બાળકો સહિતના સૌકોઇ માટે તાહિરી, મશરૂમ, પનીર, શરબત, પ્રસાદી, છાશ-પાણીનું વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરના માતાજીના મંદિરો અને સ્થાનકોમાં ચૈત્રી નવરાત્રિને લઇ વિશેષ માતાજીના નવેનવ દિવસના અલગ-અલગ સુંદર સાજ-શણગાર, વિશેષ પૂજા, આરતી, થાળ, નૈવેદ્ય અને પારણાંનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના તમામ દિવસો દરમ્યાન માતાજીના મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોના દર્શન અને પ્રસાદની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીના પરમભકતોએ નવ દિવસના ઉપવાસ અને કેટલાકે વળી અન્ન-જળનો ત્યાગ કરી નકોડા ઉપવાસની આકરી આરાધના શરૂ કરી છે.