Main Menu

પારૂલ યુનિવર્સિટી ઘટનાના પ્રશ્ને બધી કાનુની કાર્યવાહી

અમદાવાદ,તા.૭
વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી ખોટા કામો કરાવવા તથા અનેક પ્રકારની મળેલ ફરિયાદોના સંદર્ભમાં રાજય સરકારે આ ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે અને મુખ્યમંત્રીની સૂચના મુજબ આ સંબંધે તપાસ કરવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના પણ કરી છે. આ સમિતિ પારૂલ યુનિવર્સિટી અંગે મળેલી તમામ ફરિયાદોની તપાસ કરશે. મળેલી ગંભીર ફરિયાદો ધ્યાને લઈ રાજ્ય સરકારે સંબંધિતો સામે ગૂનો નોંધી તેમને જેલમાં પણ ધકેલી દીધા છે અને હજી પણ આ અંગે રાજ્ય સરકાર કંઈ છુપાવવા માંગતી નથી અને કોઈને પણ છાવરવા માંગતી નથી, તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, પારૂલ યુનિવર્સિટીના તત્કાલીન પ્રેસીડન્ટ જયેશ પટેલ સામે બળાત્કારની ફરિયાદ આવેલી તે સમયે શિક્ષણ વિભાગે પ્રો-એકિટવ અભિગમ દાખવી તેની અટકાયત કરી, તેમને જેલમાં ધકેલી દીધેલ છે અને આજે પણ તે જેલમાં છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઉચ્ચસ્તરીય તપાસ સમિતીની રચના કરી છે. તે ખુબ જ ઝીણવટપૂર્વક તમામ શૈક્ષણિક, વહીવટી, નાણાંકીય અનિયમિતતાની તપાસ કરશે. સમિતિનો અહેવાલ મળ્યા બાદ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યÂક્ત કે સંસ્થા સામે કડકમાં કડક કાર્યવાહી કરતાં અચકાશે નહી. વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસે ખોટા કામો કરાવવા, વિદ્યાર્થીઓ પાસે વધારે ફી ઉધરાવવી અને હાજરી ઓછી કહી ફોર્મ રોકવા સહિતની અનેક ફરિયાદો ઉપરાંત યુનિવર્સિટીના કર્મચારીનો કમાટીબાગ પાસે મૃતદેહ મળવાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ મૃતક કર્મચારીના પરિવારજનોમાં ફેલાયેલ ભય અને રોષની લાગણી દુર કરવા રાજય સરકારે લીધેલાં કે લેવા ધારેલા પગલાંઓ અંગે ગુજરાત વિધાનસભા નિયમો ૧૧૬ હેઠળ વિપક્ષના સભ્ય પૂંજાભાઈ વંશની તાકીદની જાહેર અગત્યની બાબત અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન કરી, આ અંગે શિક્ષણ વિભાગ તેમજ ગૃહ વિભાગે કરેલ વિસ્તૃત કાર્યવાહીની વિગતો વિધાનસભા ગૃહમાં આપી હતી.