Main Menu

બાથટબમાં ડુબવાથી શ્રીદેવીનું મોત થયું

 

મુંબઇ,તા. ૨૬
લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીના અવસાનને લઇને નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય રિપોર્ટમાં હવે દાવો કરવામાં આવ્યો છે કે, શરાબના નશામાં શ્રીદેવી હતી અને બાથ ટબમાં ડુબી જવાથી તેનું મોત થયું હતું. ઓટોસ્પી રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેમના હોટલ રુમના બાથટબમાં એક્સીડેન્ટલ ડ્રાઉની અથવા તો ડુબવાથી તેમનું મોત થયું છે. કાર્ડિયેક એરેસ્ટના કારણે તેમનું મોત થયું નથી. આરોગ્ય મંત્રાલય યુએઇ દ્વારા આ અંગેનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યા બાદ તર્કવિતર્કોનો દોર શરૂ થયો છે. શનિવારે મોડી રાત્રે જુમેરાહ અમીરાત ટાવરની હોટલમાં પોતાના રુમના બાથરુમમાં બેભાન હાલતમાં શ્રીદેવી મળી હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેને મૃત જાહેર કરાઈ હતી. તે શરાબના નશામાં પણ હતી. સંતુલન ગુમાવી દીધા બાદ બાથટબમાં પડી હતી અને ડુબવાથી તેનું મોત થયું છે. પોસ્ટમોર્ટમના નિરીક્ષણની પૂર્ણાહૂતિ બાદ જણાવવામાં આવ્યું છે કે, ભારતીય અભિનેત્રી શ્રીદેવી પોતાના હોટલના એપાર્ટમેન્ટમાં બાથટબમાં સંતુલન ગુમાવ્યા બાદ પડી જતાં મોત થયું છે.ફોરેન્સિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રીદેવીનો મૃતદેહ પણ બાથટબમાં જ હતો. દુબઈના ગલ્ફ ન્યુઝ અને અન્ય કેટલાક સમાચારપત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રીદેવીના શરીરમાં શરાબના ઘટકો પણ મળી આવ્યા છે. શરૂઆતી તપાસમાં આ બાબતના સંકેત પણ મળ્યા છે કે, શરાબના નશામાં સંતુલન ગુમાવી દીધા બાદ બાથટબમાં તે પડી ગઈ હતી અને ડુબવાથી તેનું મોત થયું છે. બીજા એક રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, એટેક બાદ બાથટબમાં પડી જતાં તેનું મોત થયું છે. દુબઈ પોલીસ દ્વારા તમામ મામલામાં હજુ પણ તપાસ ચાલી રહી છે. સ્થાનિક કાયદાકીય લોકોનું કહેવું છે કે, શ્રીદેવીના મોતને લઇને વિરોધાભાષી અહેવાલો મળી રહ્યા છે. દુબઈમાં ફોરેÂન્સક ડોક્ટરો તપાસ બાદ એવા તારણ ઉપર પહોંચ્યા છે કે, હાર્ટએટેક બાદ તે ગબડી પડી હતી અને બાથટબમાં ડુબી જવાથી તેનું મોત થયું છે. ગલ્ફના કામ કરતા પત્રકારોનું કહેવું છે કે, જા કોઇ વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થઇ જાય છે તો મૃત્યુના કારણમાં તપાસ કરવામાં આવે છે. સાથે સાથે મૃતદેહ પણ ઝડપથી આપી દેવામાં આવે છે. જા કે, હોસ્પિટલની બહાર કોઇનું મોત થઇ જાય છે તો પોલીસ દ્વારા મોત મામલામાં તપાસ કરવામાં આવે છે. સૌથી પહેલા કેસ નોંધવામાં આવે છે. જા મૃતદેહ અંતિમ સંસ્કાર માટે બહાર મોકલવાનો હોય છે તો વધુ કેટલાક પગલા લેવાની જરૂર હોય છે. ફોરેન્સિક તપાસ કરવામાં આવ્યા બાદ મૃતદેહને પોલીસને હવાલે કરવાની પરંપરા રહી છે. ઓટોસ્પી રિપોર્ટ બાદ મૃત્યુનું પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે અને છેલ્લે પોલીસ દ્વારા આને મંજુરી આપવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે, હજુ સુધી તેમને કેટલાક રિપોર્ટ મળી શક્યા નથી. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને ચાંદની તરીકે લોકપ્રિય શ્રીદેવીના પાર્થિક શરીરને હવે મુંબઇમાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમના પાર્થિવ શરીરને ભારત લાવવામાં ખુબ વિલંબ થઇ રહ્યો છે જેથી શ્રેણીબદ્ધ પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
આના માટે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનુ પ્રાઇવેટ જેટ પહોંચી ગયુ છે. દુબઇ વહીવટીતંત્રની લીલીઝંડી મળ્યા બાદ શ્રીદેવીના મૃતદેહ ભારત લવાશે. બીજી બાજુ મુંબઇના વર્સોવા સ્થિતિ ભાગ્ય બંગલામાં શ્રીદેવીના અંતિમ સંસ્કાર માટેની તૈયારી કરી લેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે બોલિવુડની મહાન હસ્તી શ્રીદેવીનુ શનિવારે રાત્રે દુબઇમાં અવસાન થયુ હતુ. શ્રીદેવી બોની કપૂરના ભાણિયા મોહિત મારવાના લગ્નમાં ભાગ લેવા માટે પરિવાર સાથે દુબઈ પહોંચી હતી. ખુબ જ શાનદાર લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન કાર્યક્રમમાં શ્રીદેવી ખુબ ખુબસુરત અને તમામની સાથે નજરે પડી હતી. સંગીત કાર્યક્રમમાં પણ દેખાઈ હતી પરંતુ મોડી રાત્રે શ્રીદેવી પર હાર્ટએટેક થતાં તેમનું અવસાન થયું હતું. તેમના પતિ બોની કપૂરના નાના ભાઈ અને અભિનેતા સંજય કપૂરે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરી હતી. શનિવારે ૧૧.૩૦ વાગે રાત્રે શ્રીદેવીના અવસાનની જાહેરાત કરવામાં આવી હતી. સંજય કપૂરે એમ પણ કહ્યું છે કે, તેઓ દુબઈમાં જ હતા અને ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે આ અહેવાલ આવ્યા હતા. હકીકતમાં શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશીની સાથે મોહિત મારવાના લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી. શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે મોટી પુત્રી જ્હાનવી પહોંચી શકી ન હતી. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ સૌથી પહેલા સંકેતોમાં શ્રીદેવીના અવસાનની વાત કરી દીધી હતી. બોલીવુડની ચાંદનીના નામથી લોકપ્રિય શ્રીદેવીએ પોતાના કેરિયરની શરૂઆત ૧૯૭૮માં આવેલી સોલવા સાવન ફિલ્મથી કરી હતી પરંતુ બોલીવુડમાં સફળતાનો સ્વાદ પાંચ વર્ષના લાંબાગાલા બાદ આવેલી હિંમતવાલા ફિલ્મથી મળી હતી. ફિલ્મમાં જીતેન્દ્રએ લીડ અભિનેતા તરીકેની ભૂમિકા ભજવી હતી. બાળ કલાકાર તરીકે તમિળ ફિલ્મ કંદન કરુનઈમાં પણ શ્રીદેવી દેખાઈ હતી તે વખતે તેની વય માત્ર ૪ વર્ષની હતી. ૨૦૧૨માં ઇંગ્લીશ વિંગ્લીશ ફિલ્મ મારફતે વાપસી કરી હતી. ગયા વર્ષે મોમ ફિલ્મમાં પણ તેની ભૂમિકાની નોંધ લેવામાં આવી હતી. જે સમયે તે બોલીવુડમાં સક્રિય થઇ રહી હતી ત્યારે દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ પહેલાથી જ સક્રિય હતી. શ્રીદેવીને બોલીવુડમાં પગ જમાવવામાં રેખાએ પુરતી મદદ કરી હતી. પરિવારના તમામ સભ્યો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. મળેલી માહિતી મુજબ શ્રીદેવીના અવસાન બાદ તેના પોસ્ટમોર્ટમ અને અન્ય તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી મોડે સુધી તેના મૃતદેહને ભારત લાવવામાં સફળતા મળી ન હતી. શ્રીદેવીનો જન્મ ૧૩મી ઓગસ્ટ ૧૯૬૩ના દિવસે થયો હતો. શ્રીદેવીને છ ફિલ્મ ફેર શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ મળ્યા હતા. ૧૯૯૦ના દશકમાં સૌથી વધુ જંગી કમાણી કરનાર અભિનેત્રી તરીકે ઉભરી આવી હતી. બાળ કલાકાર તરીકે કેરિયર શરૂ કર્યા બાદ તમિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ પ્રભુત્વ જમાવ્યું હતું. ૧૯૭૯માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનેક વખત ફિલ્મ ફેર માટે નોમિનેટ પણ થઇ હતી. શ્રીદેવીના અવસાન બાદ બોલિવુડમાં આઘાતનુ મોજુ છે.


error: Content is protected !!