Main Menu

કારની ટક્કરથી ફંગોળાયેલ વિદ્યાર્થી બસ નીચે કચડાયો


અમદાવાદ,તા. ૯
શહેરના બોપલ-ઘુમા રોડ પર આજે સવારે સાયકલ પર જઇ રહેલા એક વિદ્યાર્થીને પૂરપાટઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારતી મહિલાએ અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી તેને જારદાર ટક્કર મારી હતી, કારની ટક્કરથી ફંગોળાયેલો વિદ્યાર્થી આગળ જતી એએમટીએસ બસના પાછલા વ્હીલમાં આવી જતાં કચડાઇ ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતુ. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. વિદ્યાર્થીના કરૂણ મોતથી રોષે ભરાયેલા અને ઉશ્કેરાયેલા લોકોએ એક તબક્કે આ વિસ્તારમાંથી પસાર થતી એએમટીએસ બસો બંધ કરાવી હતી, જેને લઇ વાતાવરણ પણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતાં બોપલ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં રહેતો અને દેવાશિષ સ્કૂલમાં ધોરણ-૭માં અભ્યાસ કરતો સમીર શર્મા નામનો વિદ્યાર્થી આજે સવારે ઘુમા તરફથી પોતાની સાયકલ લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે બોપલ ઈન્ડિયા કોલો ચાર રસ્તા પાસે પાછળથી પૂરપાટ ઝડપે કાંર હંકારીને આવેલી મહિલાએ પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી સાયકલ પર જઇ રહેલા નિર્દોષ વિદ્યાર્થીને જારદાર ટક્કર મારી હતી, કારની અચાકન ટક્કરથી વિદ્યાર્થી ફંગોળાયો હતો અને ઉછળીને આગળ જઇ રહેલી એએમટીએસ બસના પાછલા વ્હીલમાં આવી ગયો હતો અને કચડાઇ ગયો હતો. ગંભીર અકસ્માતમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા, જેના કારણે રોડ પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. બીજીબાજુ, નિર્દોષ વિદ્યાર્થીના કરૂણ મોતના સમાચાર જાણી રોષે ભરાયેલા અને ઉશ્કેરાયેલો લોકોએ જારદાર સૂત્રોચ્ચાર અને હંગામો કરી સમગ્ર વિસ્તારમાં બસો બંધ કરાવી હતી, સ્થાનિકોએ માંગણી કરી હતી કે, બીઆરટીએસના કારણે રોડ સાંકડા કરી દેવાયા છે અને તેના કારણે સર્જાતા આવા અકસ્માતનો ભોગ નિર્દોષ નાગરિકો બને તે સાંખી શકાય નહી. દરમ્યાન બોપલ પોલીસને ઘટનાની જાણ થતાં તે પણ ત્યાં દોડી આવી હતી અને મામલો શાંત પાડી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી મહિલા કારચાલક અને એએમટીએસ બસના ડ્રાયવર વિરૂધ્ધ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.