Main Menu

શ્રીમાળી પોળ સ્થિત આદિનાથ પરમાત્માનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

(ચિરાગ ગોહિલ દ્વારા)
ચેલેન્જર,ભરુચ,તા.7
આજે સવારે બરોબર 8.06 મિનિટે મહાન ઉત્સવ અને અપાર હર્ષ વચ્ચે પ્રતિષ્ઠા કાર્ય પૂર્ણ થયું. ભરુચ તીર્થ પરમોપકારી પૂ.આ. દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની મંગલમય નિશ્રામાં કેસરીયા પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, શક્તિનાથ આદિનાથની પ્રતિષ્ઠા બાદ આ ચોથી ભવ્ય પ્રતિષ્ઠા છે. આ શ્રીમાળી પોળના જિનાલયમાં મુખ્ય દાતા શ્રી સ્નેહલભાઇ પ્રદીપભાઇ ચોક્સી છે. તેઓ મુંબઇ વાલકેશ્વર રહે છે. અત્રે આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠાની સાથે જૈન ઓસવાલોની દેવી ઓસિયા માતાજી તથા પાલીતાણાના રાયણ વૃક્ષ અને પ્રભુપાદુકાની પણ પ્રતિષ્ઠા થઇ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતભરમાંથી ભાવિકો પધાર્યા હતા. તેઓ ભરુચ તીર્થ થી અને વહીવટદારો થી ખૂબ જ પ્રસન્ન હતા. પ્રતિષ્ઠિત આદીશ્વર જિનાલય શિલ્પ કલાનો ઉત્કૃષ્ટ નમુનો છે. ભરુચની અસ્મિતામાં આ મંદિર પણ વધારો કરશે.

 

આ સાથે સામાન્ય સ્થિતિના જૈન માટે શ્રીમાળી પોળ વિસ્તારમાં સુવ્રત લબ્ધિ જૈન આવાસનું આયોજન કરવાનું નિશ્વિત કરવામાં આવ્યું છે. ટુંક સમયમાં તેના કાર્યનો પ્રારંભ થશે.

આ પ્રતિષ્ઠાના વિધાનો માટે શ્રી સુરેન્દ્ર ગુરુજી ખાસ બેંગ્લોરથી પધાર્યા હતા. જેઓ બેંગ્લોરની પ્રસિધ્ધ વિજય લબ્ધિસૂરીશ્વરજી પાઠશાળાના મુખ્ય શિક્ષક છે. મંદિરના શિલ્પનું કાર્ય શ્રી હરેન્દ્રભાઇ સોમપુરાએ કરેલ છે.
આ પ્રસંગે ટ્રસ્ટીવર્ય શ્રી શાંતિભાઇએ ચોક્સી પરિવારને બહુમાન પત્ર એનાયત કર્યુ હતું. ચોક્સી પરિવારે ભરુચના તમામ ટ્રસ્ટીઓનું સન્માન કર્યું હતું.
પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે પ્રભુ ભક્તિ એ જીવનનો અનુપમ લ્હાવો છે.
જીવનની આવશ્યકતા પૂરી કરવી પડે એ જુદી વાત છે. પણ બેફામ ભોગ સુખમાં મસ્ત થઇ વ્યસનો અને ભષ્ટ્રાચારમાં પોતાની લક્ષ્મીનો વ્યય કરનાર આ જીવનમાં દુર્દશા પામે છે. અને બીજા ભવમાં પણ દુઃખી બને છે. મંદિર આત્મ સાક્ષાત્કારનું પ્રશાંત સ્થાન છે. સંસ્કૃતિ, કળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ભારતના મંદિરો !
આવા મંદિરોના નિર્માણ થાય છે તેની સાથે લોકકલ્યાણની પણ  અનેક પ્રવૃત્તિ થતી હોય છે. આ પ્રતિષ્ઠા થી હું ખૂબ જ પ્રસન્ન છું અને ભરુચ શહેર જે આબાદીને પામ્યું છે તેથી વધુ આબાદીને પામી સદાચાર, શીલ અને સંસ્કારની જાળવણીમાં આગળ વધે અને સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય એ જ મંગળ આશિષ….!



« (Previous News)



Comments are Closed