Main Menu

પેડમેન ફિલ્મના પ્રમોશનને લઇ અક્ષય અમદાવાદમાં

અમદાવાદ,તા. ૫
સામાજિક સંદેશો આપતી હિન્દી ફિલ્મ પેડમેનને લઇ ફિલ્મસ્ટાર અક્ષયકુમાર આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. શહેરના રાણીપ વિસ્તારમાં પીવીઆર થિયેટર ખાતે ફિલ્મનું ખાસ પ્રમોશન રાખવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ શાળાઓની ૧૩-૧૪ વર્ષની સગીર બાળાઓને ફિલ્મ બતાવવામાં આવી હતી અને સેનેટેરી પેડને લઇ સામાજિક જાગૃતિ અને બદલાવનો એક અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ હાજર રહ્યા હતા અને તેમણે ફિલ્મને ટેક્સ ફ્રી કરવા અંગે વિચારણા કરવાની હૈયાધારણ આપી હતી. પેડમેન ફિલ્મના પ્રમોશન દરમ્યાન ફિલ્મસ્ટાર અક્ષયકુમારે જણાવ્યું હતું કે, આ ફિલ્મના કારણે સમાજમાં સેનેટરી પેડને લઇ ખાસ્સી ચર્ચા ચાલી છે, જે એક સારી વાત છે. અગાઉના જમાનામાં માસિકધર્મને લઇ સમાજમાં ખાસ કરીને યુવતીઓ-મહિલાઓમાં એક પ્રકારનો સંકોચ અને ક્ષોભ પ્રવર્તતો હતો પરંતુ આ એક કુદરતી વાત છે અને તેમાં સંકોચ જેવું કંઇ નથી જે વાત આજે સમાજ સ્વીકારતો થયો છે. જા યુવતીઓ અને મહિલાઓ મજબૂત બનશે તો, દેશ મજબૂત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પણ સરકારે યુવતીઓને આવા સેનેટરી પેડ આપવા જાઇએ. તેમણે સામાજિક સંદેશો રજૂ કરતી અને સમાજમાં અનોખી જાગૃતિ આ ફિલ્મ ખાસ કરીને માતા-પિતાને બતાવવા માટે અક્ષયકુમારે સગીર બાળાઓને સૂચન કર્યું હતું અને સાથે સાથે સમાજને પણ આ વિષય પરત્વે જાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, મહિલા સશકિતકરણ મુદ્દે ગુજરાત હંમેશા અગ્રગણ્ય રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ પહેલી વખત મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મીનીસ્ટ્રી બનાવી હતી. મહિલાના સ્વાસ્થ્યની ચિંતા કરતા વિષયને લઇ ફિલ્મ રજૂ કરનાર અક્ષયકુમારને તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બાબતે વિચારણા કરવાની હૈયાધારણ આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, યુવતીઓ અને મહિલાઓના આરોગ્ય અને સ્વાસ્થ્યને લઇ સરકાર ચિંતિત છે અને સેનેટરી પેડ તેઓને આપવાની દિશામાં આયોજન હાથ ધરાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે, અક્ષયકુમારની ફિલ્મ પેડમેન તામિલનાડુના અરૂણાચલના મુરૂગનાનથમની બાયોપિક પર આધારિત છે. જેમાં અક્ષયકુમાર એક સોશ્યલ વર્કરનો રોલ પ્લે કરી રહ્યો છે. અક્ષયકુમાર ફિલ્મમાં મહિલાઓની પિરિયડ દરમ્યાન થતી સમસ્યાઓને લઇ જાગૃતિ પર કામ કરતો જાવા મળશે. ફિલ્મમાં મહિલાઓના સેનેટરી નેપકીન બનાવતી મશીન બનાવીને ગ્રામીણ વિસ્તારમાં જાગૃતતા ફેલાવવા માટેના મુરૂગનાનથમના સંઘર્ષને આલેખવામાં આવ્યો છે. ફિલ્મમાં અક્ષયકુમારની પત્નીના રોલમાં રાધિકા આપ્ટે અને સોનમ કપૂર પણ એક મહત્વના રોલમાં જાવા મળશે. તા.૯મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થનારી પેડમેન ફિલ્મ મુખ્યત્વે કોમેડી ડ્રામા ફિલ્મ છે. મુરૂગનાનથમે એક એવા મશીનની શોધ કરી હતી, જે સેનેટરી નેપકીન્સ ઓછા ભાવમાં ઉત્પાદિત કરતું હતું. તેમના આ આવિષ્કાર માટે તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. અક્ષયકુમારની પત્ની ટવીંકલ ખન્નાએ આ ફિલ્મને પ્રોડયુસ અને નિર્દેશિત કરી છે. ટવીંકલ ખન્નાના દ્વિતીય પુસ્તક ધ લેજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદના છેલ્લા ભાગનો પણ આ ફિલ્મની વાર્તામાં સમાવેશ કરવામાં આવ્યો છે.